ચોરીથી ફફડાટ:થરાદના ઉંદરાણાના જૈન દેરાસરમાંથી ચોર રૂ.1.10 લાખ રોકડ ચોરી ફરાર

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થરાદના ઉંદરાણામાં જૈનદેરાસરમાંથી 1.10 લાખની રોકડની ચોરી થવા પામી હતી. - Divya Bhaskar
થરાદના ઉંદરાણામાં જૈનદેરાસરમાંથી 1.10 લાખની રોકડની ચોરી થવા પામી હતી.
  • સાત-આઠ વર્ષની ભંડારામાં રહેલી રોકડ રકમ ચોરી જતાં ફફડાટ

થરાદના ઉંદરાણા ગામના જૈન દેરાસનાં તાળાં તોડી બુધવારની રાત્રિના ત્રાટકેલ શખ્સ દ્વારા ભંડારો તોડી તેમાંથી રૂ.1.10 લાખની રોકડ રકમની ચોરી કરતાં ગામમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. થરાદ પોલીસે પૂજારીની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદના ઉંદરાણા ગામમાં જૈન દેરાસર આવેલું છે. જેમાં બુધવારની રાત્રિના સુમારે 20 વર્ષથી પુજા કરતા પૂજારી અમૃતલાલ મનસુખલાલ ત્રિવેદી (રહે.ચીભડા, તા.દિયોદર,હાલ રહે.ઉંદરાણા) આઠ વાગ્યાના સુમારે રાબેતા મુજબ દેરાસરને તાળું મારી સામે આવેલા ઘેર ગયા હતા. અને ગુરુવારે સવારે પોણા છ વાગ્યાના સુમારે ભગવાનની પુજા કરવા આવ્યા હતા.

આ વખતે દરવાજો ખોલવાની કોશીષ કરતાં અંદરથી બંધ જણાયો હતો. આથી ધક્કો મારતાં અંદરથી નકુચો તુટી ગયો હતો. જ્યારે વચ્ચે જઇને જોતાં ભંડારાની પેટી બાજુમાં ચોખા વેરાયેલા જણાયા હતા. આથી શંકા જતાં ભંડારો ચેક કરતાં તેમાં સાત-આઠ વર્ષની ભેગી થયેલી અંદાજિત રૂ. 1,10,000 ની રોકડ રકમની ચોરી થવા પામી હોવાનું માલુમ પડ્યું હતું.

ગામના જૈન અગ્રણી સુરેશરભાઇ દોશી અને બધાએ મળીને તપાસ કરતાં ચોરી થયાનું માલૂમ પડ્યું હતુ.થરાદ પોલીસે પુજારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.રાત્રિના ત્રણેક વાગ્યે કૂતરાં ભસતાં પુજારી અમૃતલાલ જાગ્યા હતા અને કુતરાં કેમ ભસતાં હશે તે અંગે વિચાર કરીને આંટો મારવા ઘરની બહાર પણ નિકળ્યા હતા. પરંતુ બહાર ભુંડ ઉભેલ હોવાથી કુતરાં તેને ભસતાં હશે તેમ માની પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...