થરાદમાં હાઇવેની સોસાયટીઓના રહીશો તથા ગ્રામિણ વાહનચાલકોને સર્વોદય સોસાયટીના નાકેથી આશાપુરાવાસ, શાકમાર્કેટ, તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ અને દેનાબેંક, બનાસબેંક અને બજારમાં સીધો પ્રવેશતો વર્ષો જુનો રસ્તો બંધ કરાતાં આ રસ્તો નગરપાલિકા દ્વારા તાકીદે ખુલ્લો કરાવી આ મહત્વના જાહેર માર્ગને પાકો પણ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. થરાદના સર્વોદય સોસાયટીથી બજારમાં આશાપુરાવાસને જોડતો મુખ્ય અને વર્ષો જુનો જાહેરમાર્ગ ખાડો ખોદી સદંતર બંધ કરી દેવામાં આવતાં રહીશોમાં ભારે રોષની લાગણી ફેલાવા પામી છે.
આ માર્ગે હિન્દુ સમાજના સાત સ્મશાન અને મુસ્લિમ સમાજનાં કબ્રસ્તાન અને દરગાહ પણ આવેલી હોઇ તમામ સમાજમાં તાકીદે આ માર્ગ ખુલ્લો કરાવી તેને પાકો પણ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વારંવાર બંધ કરાયા બાદ આખરે સાવ બંધ કરવા છતાં જાહેર માર્ગને ખુલ્લો કરાવવામાં નગરપાલિકાની ચુપકીદીને લઇને પણ ચર્ચા ઉઠવા પામી છે. થરાદમાં હાઇવેથી પ્રવેશતાં સર્વોદય સોસાયટીના નાકેથી આશાપુરાવાસને જોડતો વર્ષો પુરાણો જાહેર માર્ગ આવેલો છે.
આ માર્ગથી હાઇવેની સોસાયટીઓમાંથી ટુંકા માર્ગે બજારમાં જવાતું હોઇ અનેક વાહનચાલકો અને રાહદારીઓ પસાર થતા હતા. પણ હવે આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે. આથી અનેક વાહનચાલકોને પરત ફરવું પડે છે. અહિંયા શહેરના સોની, મોચી, વણકર, ખત્રી, નાઇ, પ્રજાપતિ, દરજી સમાજનાં સ્મશાન તથા મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને દરગાહ પણ આવેલી હોઇ તેમને પણ મૃતકના અંતિમ સંસ્કાર માટે ખાસ્સું ફરીને જવું પડે છે. આથી પાલિકા દ્વારા આ માર્ગ તાકીદે ખુલ્લો કરાવવામાં આવે તેમ ચાલીસ વર્ષથી અવર-જવર કરતા રહીશોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.