કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન:થરાદ યુથ કોંગ્રેસ દ્વારા ગૌશાળામાં તાત્કાલિક બજેટ ફાળવવા માંગ, બહોળી સંખ્યામાં મશાલ રેલી કાઢવામાં આવી

થરાદ2 મહિનો પહેલા

બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં આજે ગૌશાળા અને પાંજરાપોળની સહાય માટે સરકારે જાહેર કરેલ 500 કરોડ રૂપિયાની ફાળવણી માટે કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું. સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયની રકમ તાત્કાલિક ચુકવવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ આંદોલન કરશે તેમ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ચીમકી ઉચ્ચારી હતી.

રકમ નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે: ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત
થરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળની હાલત કફોડી બની છે. કોરોના મહામારી બાદ આવક સતત ઘટી છે તેવામાં વારંવાર રજૂઆત કર્યા બાદ સરકાર દ્વારા ગુજરાતની ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી. પરંતુ ચાર મહિના વિતવા છતાં પણ હજી સુધી આ રકમ ગૌશાળા કે પાંજરાપોળના સંચાલકો સુધી પહોંચી નથી. ત્યારે હવે સંચાલકો આંદોલનના મૂડમાં છે. જે અંતર્ગત આજે થરાદમાં કોંગ્રેસ દ્વારા મશાલ રેલીનું આયોજન કરાયું હતું . મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગ પર 2 કિલોમીટર ફરી સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા અને તાત્કાલિક 500 કરોડની સહાય ગૌશાળા અને પાંજરાપોળને ચૂકવવા માટેની માંગ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને તાત્કાલિક જાહેર કરાયેલ રકમ ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...