પાલનપુર ફૂડસેફ્ટી વિભાગે પાલનપુર, ડીસા, છાપી, દાંતીવાડાથી જુદા જુદા આહારગૃહ પાર્લર મિષ્ઠાન ભંડારમાથી શેરડીરસ મિલ્કશેક કેરીનો રસ અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. થરાદમાં કોલ્ડ્રીંકસ મેન્યુ ફેકટરીમાં ઠંડા પીણાંની પેકિંગ થતી બોટલનાં સેમ્પલ લીધાં હતા.ફૂડ સેફટી ઓફિસર પી.એસ.ચૌધરી, એલ.એન.ફોફ, ટી.એચ. પટેલ, પી.આર. સુથાર અને એમ એલ ગુર્જરે પોતાની ટીમ સાથે દરોડાની કામગીરી હાથ ધરી જુદા જુદા સેમ્પલ લીધા હતા.
પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે "છાપીથી ગુલાબ સરબત, દાંતીવાડાથી ફ્રુટ જ્યુસ, પાલનપુરથી શેરડી રસ, મેંગો મિલ્કશેક, કેરીનો રસ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા.ઉપરાંત ડીસા અને ભરકાવાડાથી વેનીલા આઈસ્ક્રીમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે."
થરાદમાં સાંચોર હાઇવે પર શ્રી નડેશ્વરી બેવરેજીસ નામની મેન્યુફેક્ચરેડ અને માર્કેટીંગ કરતી ફેકટરી આવેલી છે. જેમાં ધવલ બેવરેજીસ નામથી જીરા મેંગો તેમજ ફ્રૂટ બિયર વગેરે કોલ્ડ્રીંકસની બોટલોનું પેકિંગ કરવામાં આવે છે.
સોમવારના સુમારે જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કે.આર.પટેલની સુચનાથી ફૂડ સેફટી ઓફિસર એ.વી.જોષી સહિત ફૂડ ઇન્સપેક્ટરોની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી ઠંડા પીણાંની પેકિંગ થતી બોટલોનાં સેમ્પલ લઈ તેની ચકાસણી અર્થે એફએસએલમાં મુકવાની તજવીજ પણ હાથ ધરી હતી. જો કે ટીમ દ્વારા ઉપરોક્ત ફેક્ટરીમાંથી ધવલ બેવરેજીસ મેંગો,ધવલ બેવરેજીસ ફ્રૂટ જ્યુસ (બીયર) અને સહયોગ હોટલમાંથી મીક્ષ મિલ્ક અને કર્ણાવતી ડેરીમાંથી મેંગો મિલ્ક શેક અને બદામ શેકનાં પણ સેમ્પલ લઇને ચકાસણી અર્થે મોકલાયાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.