થરાદ તાલુકાના મોરથલ ગામના ખેડૂતોએ અપૂરતી વીજળી અને નવું સબસ્ટેશન બનાવવાના મુદ્દે ઉત્તર ગુજરાત વીજકંપની કચેરીમાં સોમવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેમણે વીજળીના અભાવે તેમની પરિસ્થિતીનું વર્ણન કરી તેમના પ્રશ્નની નિરાકરણની માંગણી કરી હતી.
2000 ખેડૂત ખાતેદારો અને 1200 જેટલાં વીજળીનાં કનેકશન ધરાવતા થરાદના મોરથલના ખેડૂતોએ ઉત્તર ગુજરાત વિજકંપની લિમિટેડની પેટા વિભાગીય કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે ‘મોરથલ ગામમાં નવા સબસ્ટેશન બનાવવા અંગે છેલ્લા બે વર્ષથી મંજુરી મળી છે. અગાઉ ખેડૂતોને અધિકારીઓ અને રાજકીય આગેવાનો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ આજ દિવસ સુધી તેની કામગીરી તો દુર પણ હજુ સુધી પાયો નંખાયો નથી.
આથી આજ સુધી આપવામાં આવેલા ખોટા વાયદાઓને કારણે હવે ધીરજ ખુટી ગઈ છે તેમ જણાવી સબસ્ટેશનનો તાત્કાલિક ધોરણે પાયો નંખાય અને કામ ચાલુ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. સાજન ફીડરમાં છેલ્લા બે વર્ષથી ખુબ જ ઓછા પ્રમાણમાં વોલ્ટેજ મળે છે. જેનાથી ઈલેક્ટ્રીક બોરની મોટર ચાલી શકતી નથી.
ગરમીના કારણે બળી જાય છે અને વારંવાર તુટી જવા તથા કેબલ બળી જવા જેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. વારંવાર વીજળી ડુલ થતી હોઇ ખેડુતોને આર્થિક અને માનસિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી તાબડતોબ તેમના પ્રશ્નોના નિરાકરણ કરવાની માંગણી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.