દહેજમાં નિર્મિત થયેલા બે રિએક્ટર્સને રાજસ્થાનના બાડમેર પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનના અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો એન્જિનિયરો, ટેકનીશિયનો, નિષ્ણાતોની ટીમ સામનો કરી રહી છે. હાલ થરાદ સુધી પહોંચેલા બન્ને રિએક્ટરને હવે નર્મદાની કેનાલ પાર કરાવાની છે. કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે એક રિએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1,148 મેટ્રિક ટન છે.
પુલની ક્ષમતા અપૂરતી હોવાથી હવે માત્ર રિએક્ટરને કેનાલ પાર કરાવવા અંદાજે 4 કરોડના ખર્ચે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ માટે કેનાલમાં પાણીનો પુરવઠો 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે છેવાડાના થરાદ, વાવ અને રાજસ્થાનને પીવાના પાણી થોડા દિવસો પૂરતો પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. અહીં નર્મદા કેનાલ બન્યા બાદ પહેલીવાર રિએક્ટર્સ માટે પાણીનો પુરવઠો બંધ કરવાની નોબત આવી છે. નર્મદા કેનાલમાં પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટન વજનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી છે.જેનું વજન 350 ટન છે.જ્યારે ઉંચાઇ 25 મીટર છે. કેનાલ પાર કર્યા પછી પણ બન્ને રિએક્ટર્સ ક્યારે બાડમેર પહોંચશે એ હજુ નક્કી નથી.
દહેજ સ્થિત ઇઝેક હિટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા રિએક્ટર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રા રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યાં છે. શિપિંગ હેડ વિશાલ ચૌધરીએ જણાવ્યું હતું કે બન્ને રિએક્ટર્સ નિયત સ્થળે ક્યારે પહોંચશે એ નક્કી નથી. ભાવનગરની શાહ કન્સ્ટ્રક્શન કંપનીના સિવિલ એન્જિનિયર જયદીપસિંહ ગોહિલના નેતૃત્વમાં પુલના નિર્માણનું કામ થઈ રહ્યું છે.
રિએક્ટર્સની ચેલેન્જિંગ જર્ની
મુશ્કેલી નહીં નડે તો 11મી સુધીમાં બ્રિજ બનશે
કંપનીના સિવિલ હેડ એસ.ડી. રાઠોડે જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદમાં ચાલવામાં મુશ્કેલીને બાદ કરતાં 7 મહિનામાં 200 કિલોમીટર અંતર કાપીને 28 બાયપાસ રોડ બનાવીને થરાદ સુધી પહોંચાડ્યું છે. થરાદમાં ત્રણ દિવસથી પુલ અને કેનાલની બન્ને બાજુ ડબલ્યુ એમ એમ મટીરિયલ્સ નાખીને રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મુશ્કેલી નહીં નડે તો 11 ઓગસ્ટ સુધીમાં કામ પૂર્ણ થશે.
300 ટન વજનના લોખંડના સ્ટ્રક્ચરની કિંમત જ 3 કરોડ
કેનાલ પર અંદાજિત ત્રણ કરોડના ખર્ચથી તૈયાર થયેલ લોખંડના ફોલ્ડિંગ સ્ટ્રક્ચરનો 300 ટનનો વજનનો પુલ બનશે. જો કે તેને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ જુદો હોય છે.ફોલ્ડીંગ સ્ટ્રક્ચરનાં મુખ્ય પાંજરા જ 25 ટન વજન ધરાવે છે.
એક રિએક્ટર 760, બીજું 1148 મેટ્રિક ટન વજનના
બે રિએક્ટર પૈકી 352 ટાયર ધરાવતા એકનું વજન 760 મેટ્રિક ટન અને 448 ટાયર ધરાવતા બીજાનું 1148 મેટ્રિક્સ ટન (એકસલ સાથે 1396 મેટ્રિક ટન) છે. સૌથી મોટાની ઉંચાઇ 6.5 મીટર જ્યારે પહોળાઇ 8.5 અને લંબાઇ 4.5 મીટર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.