ચકચાર:થરાદની નર્મદા નહેરમાં પ્રેમીપંખીડાંએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠાવીચારણની બે સંતાનોની માતા અને પ્રેમીનો મૃતદેહ મળતાં ચકચાર

થરાદના ભડોદર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી સોમવારની સવારે બે પ્રેમી પંખીડાંએ મોતની છલાંગ લગાવી હતી. નગરપાલિકાના તરવૈયાઓની શોધખોળ બાદ બંન્ને મૃતદેહ મળી આવ્યા હતા. બનાવની જાણ કરાતાં પોલીસ દોડી આવી હતી. પ્રેમમાં સાથે જીવી નહી શકતાં સાથે મોતને વ્હાલું કર્યું હતુ.પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદના ભડોદર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના પુલ પર રવિવારના સવારના સુમારે એક યુવક અને યુવતીના ચંપલ પડેલાં જોવા મળ્યાં હતાં.

આથી તેમાં તેઓ પડ્યાં હોવાની આશંકાએ જાણ કરવામાં આવતાં નગરપાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને તેમની પાંચ માણસોની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી એક કલાકની જહેમતભરી શોધખોળ બાદ બારેક વાગ્યાના સુમારે બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકના પરિવારજનોને જાણ થતાં બહોળી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

બનાવના પગલે થરાદ પોલીસ પણ દોડી આવી હતી. ઘટના સ્થળ પર બહોળી સંખ્યામાં લોકો એકઠાં થયા હતાં. મૃતક વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના અરવિંદભાઈ મોહનભાઈ વાલડીયા ( 25) (અપરણિત) તથા યુવતીનું નામ મીરાબેન માલાભાઇ પારેગી (સોઢા) (28) પરિણીત અને બે સંતાનની માતા હોવાનું જાણવા મળ્યું હતું. થરાદ પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બંનેના હાથ દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મળ્યા
થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ત્રીસથી પાંત્રીસ ફુટ પાણી વહી રહ્યું છે. જેમાંથી એકાદ કલાકની શોધખોળ બાદ બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. આ અંગે ફાયર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે બંન્નેના હાથ દુપટ્ટા સાથે એકબીજાને બાંધેલી હાલતમાં હતા. વળી તેઓ એક બીજાના પડોશી હતા. આથી પ્રાથમિક દષ્ટીએ જ પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ હોવાનું પ્રતિત થતું હતું. આ બનાવ અંગે પ્રેમાભાઇ હરજીભાઇ સોઢાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.વી.ધોકડીયાએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...