પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન:થરાદનગરમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાનદાદાને ચુરમુ ધરાવવાની પરંપરા

કોરોનાની મહામારીના કારણે બે વર્ષ બંધ રહ્યા બાદ આજે થરાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાનાર છે. જ્યારે પ્રજાની સુખાકારીના કામના માટે રથયાત્રા પૂર્વે હનુમાનદાદાને ચુરમુ ધરાવવાની પરંપરા પણ ચાલી આવે છે.

આ અંગે શ્રીરામ સેવા સમિતીના વડીલ ધુડાલાલ સોનીએ જણાવ્યું હતું કે ‘વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ચાચરચોક હનુમાન તથા મુખ્ય બજારમાં જુની ઝાળ (બળીયા હનુમાન) તથા ટાંડા તળાવની પાળ પર આવેલા ગોગમહારાજના મંદીર એમ ત્રણ જગ્યાએ ચુરમાનો (રોટ) પ્રસાદ ધરાવવામાં આવે છે. સાથે સાથે સિંદુરનો લેપ કરવામાં આવે છે. તથા ત્રણ જગ્યાએ નવી ધ્વજા પતાકાઓ સાથેનો શણગાર કરવામાં આવે છે.

વરસ અને વરસાદનો વરતારો જોવાની પરંપરા સાચવવાની સાથે સાથે સમગ્ર ગામમાં સુખ-શાંતિ રહે અને ખેડુતોને સારું વરસ અને વરસાદ આવે તે માટેની પ્રાર્થના ગામના હનુમાનજીના મંદીરમાં કરવામાં આવે છે.જ્યારે શુક્રવારે બપોરે બે વાગ્યે મહાઆરતી બાદ શોભાયાત્રા રામજીમંદીર, મેમણ મસ્જીદ, મોટાદેરાસર, કાજીવાસ, કોર્ટ સંકુલ, નગરપાલિકા ત્રણ રસ્તા, બળીયા હનુમાન ગોળાઇથી સાંજે સાત વાગ્યે નગરપરિભ્રમણ કરી નિજ મંદીરે પરત ફરશે.

જેમાં 1 ડીવાયએસપી, 1 પીઆઇ, 4 પીએસઆઇ, 72 પોલીસ, 16 મહિલા પોલીસ અને 40 હોમગાર્ડઝ મળીને કુલ 134 નો સ્ટાફ ચુસ્ત ફરજ બજાવશે. આ પ્રસંગે મુસ્લિમ સમાજ, ભારત વિકાસ પરિષદ, રાજપુત સમાજ મળીને 25 જગ્યાએ સેવાભાવી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારના કેમ્પ પણ યોજાનાર છે. જ્યારે થરાદ નગરના તમામ વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં સહભાગી થશે.

અન્ય સમાચારો પણ છે...