ખેડૂતોને મોટુ નુકસાન:થરાદના બુઢણપુરમાં પાણી નિકાલના નાળા મૂકતાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોએ વાહનો રોકી હોબાળો મચાવ્યો

થરાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢથી બે ફૂટ વરસાદી પાણી ભરાતાં ત્રણ ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મોટુ નુકસાન
  • કોન્ટ્રાક્ટરે ચોવીસ કલાકમાં પાણીના નિકાલની ખાતરી આપતાં માંડ માંડ મામલો થાળે પડ્યો

થરાદ પંથકમાંથી પસાર થતા ભારતમાલા રોડના કોન્ટ્રાક્ટર દ્વારા થરાદના બુઢણપુરના ગોળીયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલનાં નાળાં મૂકતાં ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થવા પામ્યો હતો. આથી ખેડૂતોએ વાહનો રોકાવી પાણી અને પ્રશ્નના કાયમી નિવારણ માટે હોબાળો કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ બોલાવાઇ હતી.

જો કે ભારતમાલાના કોન્ટ્રાક્ટરે ચોવીસ કલાકમાં પાણીના નિકાલની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો. થરાદના બુઢણપુરના માલાજી ગોળીયા વિસ્તારના ખેડુતો જેતસીભાઇ પટેલ, અમરાભાઇ પટેલ તથા પરખાભાઇ પટેલે જણાવ્યું કે ભારતમાલાના કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસરોડની સાઇડમાં મુકવામાં આવેલ ગટરલાઇનનું પાણી તેમના ખેતરમાં ઉભા ખરીફ અને દાડમ જેવા બાગાયતી પાકમાં ભરાઇ જવા પામ્યું હતું.

આ અંગે કોન્ટ્રાક્ટર દ્વારા બોર બનાવી આપવાનું કહેવા છતાં પણ બનાવવામાં આવ્યા નથી. અને જ્યાં સલામતી સાથે નાળાં મુકવાનાં હતાં ત્યાં નહી મુકવાના કારણે દોઢથી બે ફુટ વરસાદી પાણીનો ભરાવો તેમના ઉભા પાકમાં થતાં ખેડુતોએ જાતે મોટરો મુકીને પાણી કાઢવાની નોબત આવી હતી.

આ અંગે વારંવાર રજુઆત કરવા જતા ખેડુતોને અઠવાડીયાથી મલુપુર, પીલુડા અને માંગરોળ ઓફીસમાં ધક્કા ખવડાવવા છતાં જવાબદાર નહી મળતાં વિફરેલા ખેડુતોએ બુધવારના સુમારે કોન્ટ્રાક્ટરનાં વાહનો રોકાવી હોબાળો મચાવ્યો હતો. ખેડૂત અમરાભાઇ હીરાભાઇના ખેતરમાં દોઢ એકરમાં મગફળીના વાવેતરમાં જ્યારે પરખાભાઇ રવજીભાઇના એક એકરમાં મગફળી અને જેતસીભાઇ રવજીભાઇના એક એકર ખેતરમાં જુવારના ખરીફ વાવેતરમાં એકથી દોઢ ફુટ પાણી ભરાવા પામ્યું હતું.

આ અંગે ખેડુત અમરાભાઇએ જણાવ્યું હતું કે કોઇ નાળું નહી હોવા છતાં અચાનક તેમના ખેતરોમાં રોડના સાંધા વિક હોઇ તેનું પાણી ભરાવા પામ્યું હતું. આથી મોટુ નુકશાન પણ થવા પામ્યું.

અન્ય સમાચારો પણ છે...