કોરોનાના કપરા કાળમાં ગૌશાળામાં દાનનો પ્રવાહ ઘટ્યો છે. અને સરકાર દ્વારા પણ સમયસર સહાય મળતી નથી ત્યારે ગૌમાતાઓને નિર્વાહ થઇ શકે તે માટે થરાદના ડોડગામ ગોગામંડળના યુવકો ગૌચર જમીન દાતાઓના ખર્ચે સુધારીને તેમાં મહેનત કરીને ઘાસચારો ઉગાડીને 600 ગૌવંશનો નિભાવ કરવાની પ્રેરણાદાયી કામગીરી કરી રહ્યા છે.
થરાદના ડોડગામમાં શ્રી આકળીયા ગોગ મહારાજની જમીન આવેલી છે. આ બંજર પડી રહેતી જમીનમાં ઘાસચારો વાવેતર કરીને ગૌવંશને નિભાવ કરવાનો ગામના દસ બાર યુવકોને વિચાર આવતાં ગૃપ બનાવીને દાનમાં આવતી રકમમાંથી ગૌચર જમીનના બાવળ કઢાવી બે એકર જેટલી જમીન ફરતે કાંટાળી વાડ બનાવી પિયત માટે તૈયાર કરી હતી.અને તેમાં સૌપ્રથમ મકાઇ ત્યારબાદ રજકાબાજરીના ઘાસચારાનું વાવેતર કર્યું હતું.જેમાંથી ગત શિયાળામાં 15 ટ્રોલી મકાઇ તથા ઉનાળામાં 21 ટ્રોલી બાજરી ગામની ગૌશાળાની 350 અને રળાઉ નંદી સહિતના 600 ગૌવંશને વારાફરતી નિરવામાં આવ્યું હતું.
યુવક મંડળના વિનોદભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે મંડળના જ યુવકો ભેગા મળીને ઘાસચારો કાપીને પહોંચાડવા સુધીની તમામ કામગીરી કરે છે. આવી રીતે ગૌચર જમીનનો ઉપયોગ કરવાથી લીલોચારો મળતાં એકાદ મહિનો ટુંકો થાય છે.જોકે સરકાર તરફથી લાભ મળેતો હજુ પણ સરસ રીતે ગામની તમામ ગાયોનો નિભાવ કરી શકાય તેમ છે. આમ, ગૌમાતા માટે આવી કપરી પરિસ્થિતીમાં આકળીયા ગોગા યુવક મંડળની ગૌસેવા માટે પરસેવો પાડી, દાતાઓના દાનનો સદઉપયોગ કરી ગૌવંશને નિભાવવાની પ્રેરણાદાયી કામગીરી પ્રશંસાપાત્ર બનવા પામી છે. એટલું જ નહી સરકાર દ્વારા જોગવાઇ કરવા છતાં પણ સહાય મળતી ન હોવા વચ્ચે ગૌચરની જમીનમાં સુધારો કરી વર્ષની ત્રણ સિઝનમાં વાવેતર કરી બાર મહિના ગૌવંશની સેવા કરવાના આર્શિવાદ પણ મેળવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.