થરાદ નગરપાલિકાએ બે વખત નોટિસ આપવા છતાં પણ જાહેર જગ્યા પર દબાણ કરીને મોટું કન્ટેનર મુકનાર વ્યક્તિએ તેને ચાલુ કરી દીધું હતું. આથી મંગળવારે નગરપાલિકાએ ફરી વખત તેને સીલ કરી પાંચ દિવસમાં પુરાવા રજુ કરવાની નોટિસ આપી હતી.
અન્યથા તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટિસ પણ આપી હતી. પાલિકા દ્વારા કોંગ્રેસ કાર્યાલય જવાના રસ્તા પર ટેલીફોન એક્સચેન્જ સામે સરકારી જગ્યામાં આવેલ ખુલ્લા રસ્તા પૈકીની જમીનમાં ઠાકરશીભાઈ લગધીરભાઈ મકવાણા દ્વારા કોઈપણ જાતની પરવાનગી સિવાય ગેરકાયદે રીતે લોખંડનું મોટું કેબીન રસ્તા પર મુકીને દબાણ કરવામાં આવ્યું હતું. આ બાબત પાલિકાના ધ્યાનમાં આવતા 13 નવેમ્બરના રોજ નોટિસ આપીને જગ્યાની માલિકીના આધાર પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવા અથવા 24 કલાકમાં દબાણ ખુલ્લું કરી કરવાની અને કન્ટેનર હટાવી લેવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા કોઈ પણ આધાર પુરાવા રજુ કરવામાં આવ્યા ન હતા, તેમજ સ્થળ પણ ખુલ્લું કરવામાં આવેલ ન હતું કે કેબીન પણ ત્યાંથી લઈ જવાયું ન હતું.
ઉલટાનું નગરપાલિકાની નોટિસ આપવા છતાં તેની ઐસી કી તૈસી કરીને પછીના જ દિવસે કન્ટેનર ચાલુ કરી તેમાં બેસીને જે ઉદ્દેશ માટે તે મુકવામાં આવ્યું હતું તેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે બે - બે વખત નોટિસની કાર્યવાહી બાદ આખરે પાલિકાની ટીમ દ્વારા મંગળવારે સાંજે સ્થળ પર જઈને કન્ટેનર સીલ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ચીફ ઓફિસર દ્વારા 20 નવેમ્બર -2022 સુધીમાં આધાર પુરાવા રજુ કરવા અથવા તેમની સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ -2020 ની જોગવાઈ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશેના હુકમની ચીમકી આપતી નોટિસ પણ ચીપકાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.