ખેડૂતો માથે આફત:થરાદમાં નવીન માર્ગ બનતા વરસાદી પાણીનો નિકાલ મુશ્કેલ બન્યો; ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો રોષે ભરાયા

થરાદ14 દિવસ પહેલા

થરાદ તાલુકાના બુઢનપુર ગામે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી રોડની કામગીરીને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનું વારો આવ્યો છે. રોડની કામગીરીને લઈને વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જતા ખેડૂતોના ખેતરોમાં ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ખેડૂતોના પાકોને નુકસાન થવા પામ્યું છે.

10 થી 12 ફૂટ જેટલો અધ્ધર રોડ બનાવવામાં આવી રહ્યો છે
સરકાર દ્વારા અનેક નવીન પ્રોજેક્ટને લઈ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારના ભારત માલા પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે. થરાદમાંથી પસાર થતાં આ સિક્સ લેન રોડની કામગીરીને લઈ ખેડૂતો પરેશાન છે. ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા આ સીક્સ લેન રોડને જમીનથી 10 થી 12 ફૂટ જેટલો અધ્ધર રોડ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોના ખેતરોની બાજુમાંથી પસાર થતાં આ રોડની ઊંચાઈ વધવાના કારણે ખેડૂતોના ખેતરો નીચાણવાળા થયા છે ત્યારે રોડની ઊંચાઈ વધતા ખેડૂતોના ખેતરોમાંથી પાણી જવાનું માર્ગ બંધ થઈ ગયો છે. દર ચોમાસે ખેડૂતોના ક્ષેત્રમાંથી પાણી વહી જતું હતું પરંતુ આ વખતે રોડની કામગીરીને લઈ પાણી જવાનું માર્ગ બંધ થઈ ગયો છે. ત્યારે તાજેતરમાં થરાદ પંથકમાં ચારથી પાંચ જેટલા થયેલા વરસાદને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જે પાણીને લઈને ખેડૂતોના ખેતરોમાં વાવેલા પાક નષ્ટ પામ્યા છે. જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો રજૂઆત કરી થાક્યાં
થરાદના બુઢનપુર ખાતે ખેડૂતોના ખેતરોની નજીકથી પસાર થતા સિક્સલેન રોડની કામગીરીને લઈ ખેડૂતો નાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના મુદ્દે ખેડૂતો અનેક વાર તંત્ર ને રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ આ સમસ્યાનું હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી તેને લઈને જે પાણી નીકળતું હતું તે બંધ થઈ ગયું છે જો આ પાણી નીકળવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી વર્ષોમાં પણ આ પાણીની સમસ્યા ને લઈ ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે હાલમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી બાજરી જુવાર તેમજ ઘાસચારાના પાકો નષ્ટ થઈ ગયા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...