તંત્રના વાંકે લોકોને હાલાકી:થરાદની સીમમાં દૂષિત પાણીનો મુખ્ય કેનાલમાં નિકાલ; ગામમાં રોગચાળો ફાટવાની શક્યતા

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના નાગલા ખાનપુર ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર સાયફન 421.300ની હદમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના સિમ ખેતરોમાં પ્રવેશી જતાં સિમ ખેતરો બેટમાં ફેરવાયાં જેવા દ્રશ્યો બન્યા હતા. સરદાર સરોવર, નર્મદા નિગમ તેમજ પ્રાંત અધિકારી તેમજ સ્થાનિક રાજકીય નેતાઓને ખેડૂતોએ રજૂઆતો કરવામાં પગરખાં તોડી નાખ્યા છે. ત્યારે આજે મુખ્ય નર્મદા નહેર વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે એન્જીન પમ્પ વડે ખેતરોમાં રહેલું દૂષિત ગંદુ પાણી પાછું મુખ્ય નર્મદા નહેરમાં ઠાલવવામાં આવતાં પંથકના લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સામે આવી છે.

મુખ્ય નર્મદા નહેરના બાંધકામ સમયે કોન્ટ્રાકટરોએ કામગીરીમાં વેઠ વાળતા તેની મુશ્કેલી ખેડૂતો ભોગવી રહ્યા છે. હલકી ગુણવત્તા વગરની કામગીરીને લઈને મુખ્ય નર્મદા નહેર પર આવેલા સાયફનો લીકેજ થઈ રહ્યા છે. જેનું પાણી નજીકમાં આવેલા ખેતરોમાં જતાં ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પાક લઈ શકતા નથી. ખેડૂતોને ખેતરોમાં બનાવેલા રહેણાંક મકાનો છોડીને ભાગી જવાનો વારો આવ્યો છે. આથી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આવા ખેડૂતોને વળતર ચૂકવવું જરૂરી છે.

મુખ્ય નર્મદા નહેરનું તેમજ વરસાદી પાણી છેલ્લા કેટલાક વર્ષોથી ખેતરોમાં રહેલું હોવાથી દુર્ગંધ મારી રહ્યું છે. કાદવ કીચડ સહિત પોરા જેવા જીવ જંતુઓ પેદા થયા હોવા છતાં આવું પાણી નર્મદા વિભાગ દ્વારા પુનઃ મુખ્ય નહેરમાં ઠાલવી રહ્યા છે. જેથી થરાદ વાવ સહિત સરહદી પંથકમાં પીવાના પાણી મુખ્ય નહેર દ્વારા આપવામાં આવી રહ્યું છે. જેથી આ પાણી ઠાલવવાથી લોકોમાં મોટી બીમારી થવાની શક્યતા છે. જેથી તાલુકા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક રાજકીય નેતાઓએ આ બાબતે ગંભીર નોંધ લેવી જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...