ધાર્મિક:52 ગામોના ભક્તો મળીને થરાદના પૌરાણિક અંબાળેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવાયું

થરાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

26મી જાન્યુઆરી 2001ના ભુકંપમાં મંદીર ક્ષતિગ્રસ્ત થતાં મંદીરના શિવલીંગ સિવાય ઘુમટ અને કાચબો, નંદી અને માતાજીની મૂર્તિઓ ખંડીત થઇ હતી. વળી હનુમાનજી અને ગણપતિની મૂર્તિઓ નહી હોવાના કારણે કુંભાસણના કુંભાજી વાલાજી રાજપુત પરિવાર દ્વારા મંદીર બન્યાના 955 વર્ષ પછી જમડાના શાસ્ત્રી વૈકુંઠલાલ મોહનલાલ અને ભુદેવના હાથે મંદીરનો જીર્ણોધ્ધાર કરાવી શ્રાવણ સુદ-13 તા.27 ઓગષ્ટ-2004ના રોજ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી.

ત્યારબાદ આજુબાજુના ગ્રામજનો દ્વારા નિર્ણય કરાતાં ચારેક વર્ષ પહેલાં ક્રાંતીકારી સંત (પદ્મશ્રી) સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના હસ્તે થરાદ પંથકના એકમાત્ર ઐતિહાસિક અંબાળેશ્વર મહાદેવના ભવ્ય નવા મંદિરનું (શિલાન્યાસ) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામીજીની 52 ગામોના લોકો હળીમળીને મહાદેવનું ઐતિહાસિક મંદીર બનાવજોની પ્રેરણાને માથે ચડાવતાં સ્વામીના 1 લાખના અનુદાન સાથે સૌએ મળીને આર્થિક અનુદાનની સરવાણી વહાવતાં એક કરોડ કરતાં પણ વધુ રકમના ખર્ચથી નવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું.

જેની આગામી સમયમાં પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. મંદીરમાં મહંતની ધુણી, કૉમ્યુનીટી હોલ, વીજળી પાણી, શાળા, ધર્મશાળા, ચબુતરો અને બે સમાધીઓ ઉપલબ્ધ છે. અહીં દર શિવરાત્રી અને શ્રાવણના સોમવારે મેળો યોજાય છે. શ્રાવણી અમાવસ્યાએ યજ્ઞ અને બ્રહ્મભોજન યોજાય છે. તેમજ જે પશુ માલિકનાં દુધાળાં પશુઓ નર બચ્ચાને જન્મ આપતાં હોય તેઓ માદા બચ્ચાની માનતા રાખે અને તે ફળે એટલે શ્રાવણમાસમાં એક ટંકનું દુધ, દહી ચડાવીને શિવજીને રસતરબોળ કરી મુકે છે.

અન્ય સમાચારો પણ છે...