વૃક્ષોનો વારસો ભૂતકાળ:થરાદમાં પાણીના ટાંકાથી નર્મદા કેનાલ વચ્ચેના 320 લીલાછમ વૃક્ષોનું નિકંદન

થરાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામગીરીમાં આડે આવતા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. - Divya Bhaskar
કામગીરીમાં આડે આવતા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે.

થરાદ શહેરમાં હાઇવે ફોરલેન બનાવવાની કામગીરી હાથ ધરાતા 320 જેટલા લીલાછમ વૃક્ષોનો નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જે પૈકીના મોટાભાગના કપાઇ પણ ગયા છે. આથી હવે હાઇવે વિસ્તારનો લીલોછમ વૃક્ષોનો વારસો ભૂતકાળ બની રહ્યો છે. જીલ્લો બનવાની હરોળમાં અગ્રિમસ્થાને રહેલા મુખ્ય મથક થરાદના કુદકે અને ભુસકે વધી રહેલા હાઇવે વિસ્તારના વિકાસ વચ્ચે માર્કેટયાર્ડથી દૂધ-શીત કેન્દ્ર વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ 68 ની બંને બાજુ અનેક શોપિંગ સેન્ટર, હોસ્પિટલ, બેંક, સોસાયટીઓ અને સંસ્થાઓ આવેલી હોઇ ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી.

જેના કારણે ખતરનાક અક્સ્માતમાં મોત અને ગંભીર અથવા તો જીવલેણ ઇજાઓ બનવાના પણ અનેક બનાવો બનવા પામ્યા હતા. વળી મુખ્યમાર્ગ પર પરપ્રાંતીય માલવાહક વાહનો વાયા કંડલા, મુંદ્વા (કચ્છ ભુજ) તરફ જવા અહીંથી અવર-જવર કરતાં હોઇ ટ્રાફિક સમસ્યાએ કાયમી પ્રશ્ન બન્યો હતો. ત્યારે કેન્દ્રના વર્ષ 2021/22ના બજેટમાં રૂપિયા 39.74 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. જેના થકી માર્કેટયાર્ડ નજીકના પાણીના ટાંકાથી વાવ રોડ (નર્મદા કેનાલ) સુધી હયાત રોડ વચ્ચે સ્ટ્રીટલાઇટ અને ડીવાઇડર તથા સર્વિસ રોડ સાથે ચારેક કિમી માર્ગ પહોળો (ફોરલેન) કરવામાં આવી રહ્યો છે.

નગરના વિકાસ માટે પહોળો બની રહેલો રોડ ખુબ જ સારી બાબત છે. પરંતુ ચિંતાજનક બાબત એ પણ છે કે આ રોડના કામગીરીમાં આડે આવતા બંને સાઈડના મળીને 320 જેટલા લીલાછમ વૃક્ષોનું નિકંદન પણ કાઢી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાજનક છે.

આ અંગે વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાણીના ઉંચા ટાંકાથી ચાર રસ્તા સુધી ડાબી બાજુ 136 અને જમણી બાજુ 67 તેમજ ચાર રસ્તાથી કેનાલ રોડ પરના બંન્ને બાજુના મળીને કુલ 104 વૃક્ષો રોડના વિકાસ માટે દુર કરાવવામાં આવી રહ્યાં છે. આ અંગે વૃક્ષો કાપવાની ઉચ્ચસ્તરેથી મંજુરી મળ્યા બાદ તેની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ કોન્ટ્રાક્ટર દ્વારા તેને જમીનમાંથી મુળીયાં સાથે ઉખેડી કઢાઇ રહ્યાં છે. આથી ચાર કિલોમીટરના આ રસ્તા પરના 320 વૃક્ષોનો ભવ્ય પર્યાવરણીય વારસો એક સપ્તાહમાં ભુતકાળ બનવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...