પશુઓ છોડતા અફડા તફડી:થરાદ ગૌશાળાઓની ગાયોને લીલા ઘાસચારા સાથે ગૌભક્તોએ મામલતદાર કચેરીમાં છોડી મુકી, પોલીસ દોડતી થઈ

થરાદ10 દિવસ પહેલા

ગુજરાત સરકારે ગૌશાળાઓ પાંજરાપોળ માટે જાહેર કરેલી ગૌપોષણ યોજના અંતર્ગત 500 કરોડની સહાય નહીં ચૂકવતાં ગૌભક્તોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. જે બાબતે આવેદનપત્ર સહિત અનેકો આંદોલન કરવામાં આવતાં સરકારના કાન પર રહેલા ઢાંકણ નહીં ખુલતાં આજે વહેલી સવારથી ગૌભક્તો દ્વારા ગાયોને મામલતદાર કચેરીમાં છોડી દેવામાં આવી હતી. ત્યારે પોલીસ કાફલો દોડી આવી ગાયોને રોકવા ધંધે લાગી છે.

રાજ્યમાં આવેલી રજિસ્ટ્રેશન ગૌશાળાઓ પાંજરાપોળોમાં નિભાવ કરી રહેલા ગૌવંશ માટે સરકારે ગૌપોષણ યોજના હેઠળ 500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. પરંતુ સહાયની રકમ ચુકવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નિવડતાં ગૌશાળાઓના સંચાલકોને ગાયોનો નિભાવ કરવો મુશ્કેલી બની જતાં છેલ્લા કેટલાક સમયથી સહાય ચૂકવવાની માંગણી માટે ગૌભક્તોને રસ્તા પર ઉતરવું પડ્યું છે. ગૌમાતાઓ માટે ગૌભક્તો આમરણાંત ઉપવાસ સહિત અનેક રજૂઆતો કરવા છતાં ગુજરાત સરકારે ધ્યાન પર નહીં લેતાં ગૌભક્તોએ 48 કલાકમાં સહાયની રકમ ચૂકવવા સરકારને આવેદનપત્ર આપી એલટીમર્ટમ આપ્યું હતું. જેનો 48 કલાકનો સમય આજે વહેલી સવારે પૂર્ણ થતાં ગૌભક્તોએ ગાયોને થરાદ મામલતદાર કચેરી ખાતે છોડી ગૌવંશને સાચવવાની જવાબદારી સરકારને સોંપી દીધી છે.

સંતો મહંતો સહિત ગૌભક્તો જણાવી રહ્યા છે કે, સુતેલી સરકારને જગાડવા હજુ તો માત્ર શરૂઆત કરી છે. જો વહેલી તકે સરકાર નહીં જાગે તો તાલુકાની તમામ ગૌશાળાઓની ગાયો તમામ કચેરીઓમાં મુકવામાં આવશે. તેમજ ગૌશાળાઓની ચાવીઓ લેટરપેડ સહિત સુપ્રત કરી દેવામાં આવશે. ગૌવંશને નિભાવ સાચવણીમાં કંઈપણ મુશ્કેલી સર્જાશે તો ગૌભક્તો ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી સાથે ગૌધન છોડવામાં આવ્યું છે. જેમાં પીઆઇ સહિત પોલીસ કાફલો મામલતદાર કચેરી ખાતે દોડી આવી ગાયોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાયો મામલતદાર કચેરીના પ્રાંગણમાં ઘુસી જવા પામતાં પોલીસે ગૌભક્તો સામે દબંગાઈ કરતાં ગૌભક્તો રોષે ભરાયા છે અને ઉગ્ર આંદિલન બને તેવું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...