હુમલો:થરાદમાં દુકાને લુખ્ખા તત્વો બેસાડવા બાબતે કહેતાં નિવૃત્ત શિક્ષકના પરિવાર પર હુમલો

થરાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડોશીઓએ પાઇપ અને ધોકા વડે હુમલો કરતાં ચારને ઇજા

થરાદના વખારવાસમાં પડોશીને તેમની દુકાને લુખ્ખા તત્વો ન બેસાડવા બાબતે કહેવા જતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સો દ્વારા લોખંડની પાઇપ, લાકડી અને ધોકા વડે હુમલો કરી મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી. થરાદ પોલીસે ચારે સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ કરી હતી.

થરાદના વખારવાસમાં રહેતા નિવૃત્ત શિક્ષક તરભોવન ખેમાજી વાણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘શુક્રવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે તેમના ઘર આગળ પુત્ર પ્રતાપભાઈ અને પત્ની કસુબેન સાથે તેમના પાડોશી અશ્વિનભાઈ સરતાણભાઇ હડિયલ, વિજયભાઈ સરતાણભાઇ તથા સરતાણભાઇ વક્તાભાઈ હડિયલ અને મનસુખભાઈ જીવાભાઈ હડિયલ ઝઘડો કરીને તમો અમારી દુકાનનો વિરોધ કેમ કરો છો તેમ કહેતા હતા. આથી પ્રતાપભાઈએ તમારો કોઈ વિરોધ કરતા નથી, પરંતુ તમારી દુકાને લુખ્ખા તત્વોને ન બેસાડવા કહીએ છીએ તેમ કહેતાં ઉશ્કેરાઇને અપશબ્દ બોલી આજે તો આમને પુરા કરી દેવા છે તેમ કહી લોખંડની પાઇપ, લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો.

આથી પ્રતાપભાઇને માથામાં લોહીયાળ ઇજા થતાં તેમણે બચાવવા બુમો પાડતાં પૌત્ર ગીરીશભાઈ પ્રતાપભાઈ વાણીયા અને કસુબેન વચ્ચે પડતાં ચારેય જણાએ તેણીને પણ ગડદાપાટુનો માર મારી ગિરીશભાઈને પાઈપ ફટકારી હતી. આથી વધુ હોબાળો થતાં નજીકમાંથી દોડી આવેલા કુટુંબી રૂપાભાઈ વસ્તાભાઈ વાણીયા દોડી આવતાં તેમને પણ ઇજા થવા પામી હતી. જતાં જતાં આજે તો બચી ગયા છો, પરંતુ લાગ આવ્યેથી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. ઝઘડામાં પ્રતાપના ગળામાં પહેરેલી સોનાની ચેન તથા કસુબેનના નાકની સોનાની વીંટી પણ પડી જવા પામી હતી. પ્રતાપભાઈ, કસુબેન તથા ગીરીશભાઈને સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. થરાદ પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...