ખેતરોની વાડ કાઢી જે ફેન્સીંગ કરવામાં આવે છે તેની આડમાં થતું વૃક્ષછેદન અટકાવી પર્યાવરણને બચાવવા થરાદ તાલુકાના ભોરડું પંચાયતના મહિલા સરપંચે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. થરાદના ભોરડુંના સરપંચ કવિતાકંવર દિલાવરસિંહ વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ‘વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતરો છે તેની ફરતે કુદરતી લીલા વૃક્ષો વાળી વાડ કાઢી અને કાંટાના વાયર કે જાળી વાળી ફેન્સીંગ બાંધવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે તે આપણા રાજ્ય (દેશ) ના પર્યાવરણ અને ગ્રીન કવર માટે ખુબજ ખતરારૂપ સાબિત થશે. જે કાંટાવાળા વાયરની કે જાળી વાળી ફેન્સીંગ કરવામાં આવે છે તેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 70 થી 90 ટકા સુધીની મબલખ સબસીડી આપવામાં આવે છે.
જે ખેડૂતો માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે અને ખેડૂતો ફેન્સીંગ બાંધવા માટે પ્રોત્સહિત પણ થાય છે પણ એનાથી મોટો સવાલ એ છે કે જે - તે ખેડૂત પોતાના ખેતરની હદમાં આ ફેન્સીંગ કરે છે ત્યાં પહેલાંથી જ મસમોટા વૃક્ષોનું જે ગ્રીન કવર છે તેને જેસીબી કંપનીના બેક - હો લોડર દ્વારા જમીનદોસ્ત કરી તેને વેચી દેવામાં આવે છે. અને ત્યારબાદ એ જગ્યાએ ફેન્સીંગ બાંધવામાં આવે છે.
‘ઇન્સ્પેક્શન અધિકારી અને વિસ્તાર પ્રમાણેના કર્મચારીઓ અથવા તો ગામના સરપંચ પાસે એ તપાસ કરવામાં આવે કે જે જગ્યાએ ફેન્સીંગ બાંધવાની છે તે વાડ ઉપર પહેલાથી ઉગેલા વૃક્ષોની પાસે બાંધવામાં આવે નહિ કે તેને જડમુળથી ઉખાડીને અને ફેન્સીંગ બાંધવામાં જો કોઈ વૃક્ષ નડતુ હોય તો એક વૃક્ષની જગ્યાએ બીજા 10 નવા વૃક્ષો પોતાના ખેતરમાં ખેડૂત દ્વારા ઉગાડવામાં આવે તેવી બાંહેધરી લઇ અને તેની તપાસ હાથ ધરવામાં અને ત્યાર બાદ જ સબસીડી રિલીઝ કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.