પાણી પુરવઠાબોર્ડ કફોડી સ્થિતી:થરાદ શહેરમાં દૈનિક 40 લાખ લીટરની જરૂર સામે માત્ર એક દિવસ ચાલે એટલું જ પાણી

થરાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નર્મદા નહેર પરથી વેસલ પસાર કરાવનાર હોવાથી 12 દિવસ માટે પાણી બંધ કરી દેવાયું

થરાદમાંથી પસાર કરાવવામાં આવનાર ભારે મશીનરીના કારણે નર્મદાકેનાલમાં બાર દિવસ માટે પાણી બંધ કરી દેવાયું છે. શહેરની દરરોજની 40 લાખ લીટર પાણીની જરૂરીયાત સામે માંડ એકાદ દિવસ ચાલે એટલું જ પાણી નહેરમાંથી મળી શકે તેમ છે. આથી થરાદ શહેરની આશરે 35 હજારની વસ્તી અને થરાદ વાવ તાલુકાનાં 119 જેટલાં ગામોમાં પીવાના પાણીની ભર ચોમાસે કિલ્લત સર્જાવાની પુરી શક્યતા છે. જો કે પાણીપુરવઠા બોર્ડ દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે.

નર્મદા નહેર પરથી મહાકાય વેસલ પસાર કરાવનાર હોવાના કારણે ગત 2 ઓગસ્ટથી નર્મદા નહેરમાં 12 દિવસ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. આથી થરાદ શહેર અને ગ્રામ્યવિસ્તારોમાં અભુતપુર્વ જળસંકટ સર્જાવાની દહેશત ઉઠવા પામી છે. નહેરમાં સદંતર પાણી વહેવાનું બંધ થવાના કારણે તેમાંથી પાણી મેળવીને શહેર અને ગામડાંને આપતી પાલિકા અને પાણી પુરવઠાબોર્ડ કફોડી સ્થિતીમાં મુકાવા પામ્યું છે.

પાલિકા સુત્રોએ જણાવ્યું હતું કે નગરની આશરે 35 હજાર કરતાં વધુની વસ્તીને પીવા અને વાપરવા માટે માથાદિઠ 140 લીટરની દષ્ટીએ રોજ 40 લાખ લીટર પાણીની જરુરીયાત છે. જેની સામે કેનાલમાંથી માત્ર એકાદ દિવસ જ મળી રહે તેટલું પાણી છે. ચીફઓફીસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે બોરમાંથી પાણી મેળવીને નગરજનોને મળે તે માટેની તૈયારી પાલિકાએ કરી રાખી છે.

થરાદ, વાવનાં ક્રિટીકલ 69 ગામોમાં ટેન્કર દોડાવવાનું પાણીપુરવઠાનું આયોજન
પાણીપુરવઠા વિભાગના ડીઇ યોગેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે ચુડમેર,ભાપી અને રાણપુર ઓફટેક પર ફોલ્ડર પંપ કેનાલની અંદર મુકેલા છે. અને ત્રણ મીટરના પાણીના સ્તર સામે અત્યારે દોઢ મીટર છે. આથી ત્રણેક દિવસ પાણી ચાલી રહે તેવી ગણતરી છે.

તેમ છતાં પાણીની સમસ્યા સર્જાશે તો થરાદ વાવનાં ક્રિટીકલ 69 ગામોમાં ટેંકર મોકલવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.તદુપરાંત કેશરગામ સેકશનમાં પાણી પુરવઠાના બે અને પીલુડા, મેઘપુરા, અરંટવા, દેતાલ(દરબારી)માં રહેલા એક એક બોર પણ મહદઅંશે ગ્રામ્યવિસ્તારોની જરુરીયાત સંતોષવા સક્ષમ છે.

અન્ય સમાચારો પણ છે...