રાજસ્થાનના એક વિધુરને નાનાપુત્ર અને વૃદ્ધ માતાની સારસંભાળ માટે થરાદ અને થરાના બે વ્યક્તિઓના વિશ્વાસથી રૂપિયા ખર્ચીને પરણ્યા હતા.ે બંન્ને યુવતીઓ કથિત પતિએ ચડાવેલા દાગીના પહેરીને જતી રહી હતી. યુવકે થરાદ પોલીસ મથકમાં પૈસા લઇને યુવતીઓ લાવી આપી વિશ્વાસઘાત કરનાર ચાર સામે ગુનો નોંધવા ફરિયાદ આપી હતી.
સ્વરૂપસિંહ ચિમસિંહ રાજપુત (રહે.ભુરાસર,તા.પોલાયત(બીજુ),જી.બિકાનેર-રાજસ્થાન)એ થરાદ પોલીસ મથકમાં દેવીસિંહ રાજપુત (દરબાર) તથા કૃષ્ણાબા સઉભા (સવભા) તેમજ નિશા અને રાની સામે પોતાની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપી હતી.
એક પુત્રના પિતા સ્વરૂપસિંહ (ઉં.વ.30) ની પત્નીનું કુદરતી અવસાન થતાં નાનો પુત્ર અને વૃદ્ધ માતાની સારસંભાળ માટે બીજાં લગ્ન કરવાનું કહેતાં તેમના કુંટુંબી મોહનસિંહ પ્રતાપસિંહનાં પત્ની હંસાબાએ તેમના પિયર કાકરમાં ક્રિષ્નાબાનો સંપર્ક કરવાથી તેઓ છોકરી લાવી આપશે તેમ કહેતાં તેઓ જાન્યુઆરીમાં ક્રિષ્નાબાને મળતાં તેણીએ થરાદના સણાવીયા ગામના દેવીસિંહ સાથે મળીને પરણવા માટે કન્યા લાવી આપીએ તેમ વાત કરીને દિયોદર રેલ્વે ફાટક પાસે બધા મળીને 4.50 લાખ રૂપિયામાં નક્કી કર્યા પ્રમાણે સણાવીયામાં નિશા નામની યુવતી સાથે મુલાકાત કરાવી હતી.
ત્યાં ભરોસો અને વિશ્વાસ અપાવીને ફુલહાર કરીને ઘેર લઇ જતાં નિશા અઠવાડીયું રહી હતી. જ્યાં તેણીને સમાજના રિતરિવાજ મુજબ ચાર તોલા સોનાના દાગીના પણ ચડાવ્યા હતા. ત્યારબાદ દેવીસિંહ ત્રણ માણસો સાથે કારમાં આવી એકની ઓળખ કાળુભા નિશાના ભાઇ તરીકે આપી ચૂંટણી હોઇ એક અઠવાડીયાનું કહીને નિશાને પહેર્યે કપડે દાગીના સાથે લઇ આવ્યા હતા.
ત્યારબાદ અઠવાડીયા પછી દેવીસિંહને ફોન કરતાં તેણે યોગ્ય ઉત્તર ન આપતાં તેઓ સણાવીયા આવતાં ત્યાં નિશા આવવાની ના પાડે છે. તેમ કહી થોડાક વધારે રૂપિયા આપો તો તમારા લાયક ટકીને રહે તેવી બીજી છોકરી બતાવી હતી. જેનું નામ રાની હતું. તેણી તમને છોડીને ક્યાંય જશે નહી અને સારી રીતે રહેશેનો ભરોસો અપાવી ફોન પે અને રોકડા મળીને રૂપિયા 1.67 લાખ લીધા હતા.
રાનીને પણ ઘેર લાવીને એજ પ્રમાણે સમાજના રીતરિવાજ મુજબ પાંચ તોલા સોનાના દાગીના ચડાવ્યા હતા. તેણી બે મહિના રહી હતી. તા.02 મે-2022ના રોજ સ્વરૂપસિંહ જોધપુર જતાં રાની તેમની માતાને ઉંઘની ગોળીઓ ખવરાવી રાત્રે ભાગી ગઇ હતી. આથી રાનીને ફોન કરતાં તેણી વાત કરવાને બદલે ફોન ઉપાડીને અન્યને આપી દેતી હોઇ દેવીસીંહ અને ક્રિષ્નાબાનો સંપર્ક કરતાં તેમણે પૈસા કે છોકરી મળશે નહી થાય તે કરી લો ની ધમકીઓ આપી હતી. આથી રૂબરૂ મળીને પૈસા પરતા માંગતાં ઉશ્કેરાઇને અપશબ્દો બોલી ખોટા કેસમાં ફસાઇ જવાની ધમકી આપી હતી. આખરે ન્યાય માટે થરાદ પોલીસનાં પગથીયાં ચડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.