વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની સાથે સાથે રાજસ્થાનને અડીને આવેલ થરાદના બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના બનાવો પણ રોજબરોજ વધી રહ્યા છે. જોકે જિલ્લા પોલીસવડાની કડક સુચના મુજબ પોલીસ દ્વારા કડક નિયંત્રણ રાખીને દારૂની હેરાફેરીનો પર્દાફાશ પણ કરવામાં આવી રહ્યો છે. જેની વચ્ચે થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટેથી વિદેશી દારૂની પેટીઓ ભરેલું ટેન્કર ઝડપી લીધુ હતું.
થરાદની ખોડાચેકપોસ્ટે પેટ્રોલિંગમાં રહેલા આઇટીબીપી અને એએસટી ટીમના કર્મચારીઓ તેમજ પીએસઆઇ વી.એસ.દેસાઇ વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. આ વખતે સાંચોર તરફથી આવેલ જીજે-12-બીવી-9781 નંબરનું શંકાસ્પદ ટેન્કર આવતાં તેને રોકાવી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 230 પેટીમાંથી 2760 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે રૂપિયા 8,28,840નો દારૂ તથા પાંચ હજારના મોબાઇલ અને 10 લાખનું ટેન્કર મળીને રૂપિયા 18,33,840 ના મુદ્દામાલ સાથે ચાલક કવરારામ ખેતારામ થોરી (જાટ) (રહે.થોરીઓ કા તલા, કોનરા,તા.ચૌહટન, જિ.બાડમેર-રાજસ્થાન) ની અટકાયત કરી હતી. તેમજ બોર્ડર પાર કરીને ફોન કરવાનું કહેનાર (દારૂ ભરાવનાર) નારાયણ જાટ (રહે.રામજી ગોળ-રાજસ્થાન) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.