થરાદમાં આવેલી રાજેન્દ્રનગર સોસાયટીમાં ગુરૂવારની બપોરના સુમારે એક પરિવારમાં દિકરીઓનાં લગ્ન હોવાથી બંધાયેલા લગ્નમંડપમાં આગ લાગતાં અફરાતફરી મચવા પામી હતી. જેના કારણે મંડપ, રસોડું અને વાસણ સહિત ચીજવસ્તુઓ બળીને રાખ થવા પામી હતી. થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ દરજીની પુત્રીઓનાં લગ્ન હોવાના કારણે મંડપ બાંધવામાં આવ્યો હતો. જેમાં ગુરુવારની બપોરના સુમારે એકાએક આગ લાગી હતી. આથી અફરાતફરી સાથે ઉત્તેજનાનો માહોલ પ્રસરવા પામ્યો હતો.
બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી. લોકોના ટોળાં પણ એકઠાં થવા પામ્યા હતાં. આ અંગે પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં દોડી આવેલા ફાયર ઓફીસર વિરમ રાઠોડે આગને કાબુમાં લીધી હતી. જોકે આગ લાગવાના કારણે કોઇ જાનહાની થવા પામી ન હતી. પરંતુ આગ લાગતાં મંડપ, રસોડું, વાસણ સહિત પરચુરણ ચીજવસ્તુઓ બળીને ખાખ થવા પામી હતી. તેમજ આગ લાગવાનું ચોક્કસ કારણ પણ જાણી શકાયું ન હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.