આપઘાતનો પ્રયાસ:લાખણીના આગથળા ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, હાલત ગંભીર

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેટકો વીજકંપનીના અધિકારીઓથી કંટાળી આત્મવિલોપનની ચીમકી આપી હતી

જેટકો વીજકંપનીના અધિકારીઓથી કંટાળીને આગથળાના ખેડુતે આત્મવિલોપનની ચિમકી આપ્યા બાદ શનિવારે સવારે ઝેરી દવા ગટગટાવતાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો. ખેડુતને નાજુક હાલતમાં લાખણી, ડીસા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. આ બનાવને લઇને ખેડુત આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા હતા.

લાખણીના આગથળા ગામના સર્વે નંબર 242માંથી અગાઉ પણ ચૌદથી પંદર વિજલાઇનો નિકળેલી હોવાથી વધુ નિકળતી એક વિજલાઇન સાઇડમાંથી નિકળે તેવી ખેડુતો જેટકો ડીસા સહિત તંત્રને લેખિતમાં રજુઆત કરી રહ્યા હતા. તેમ છતાં પણ તેમની કોઇ વાત સાંભળવામાં નહી આવતાં ખેડુતો દ્વારા હાઇકોર્ટના દરવાજા ખટખટાવી ન્યાય માંગવામાં આવ્યો હતો. જેની સુનાવણીની મુદત પણ આગામી 27 જુનના રોજ થવાની છે. જેની વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે આવેલા જેટકોના અધિકારીઓએ તેમની કોઇપણ વાત સાંભળવાનો ધરાર ઇન્કાર કરીને બળજબરીપુર્વક ખેડુતના ખેતરમાં મજુરો સાથે કામ શરૂ કરી દિધું હતું. આથી કંટાળીને સેધાભાઈ મગનભાઇ ઠાકોરે બે દિવસ પુર્વે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જે મુજબ શનિવારે સવારે નવેક વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પીધી હતી.

આ બનાવ અંગે જાણ કરાતાં લાખણી 108ના ઇએમટી સુરેશ સોલંકી અને પાયલોટ રાજભા વાઘેલાએ દોડી આવી પ્રાથમિક સારવાર સાથે 50 વર્ષીય સેધાભાઇને લાખણીના સરકારી દવાખાને લઇ આવ્યા હતા. જ્યાં તબીબે નળી નાંખીને શરીરમાંથી ઝેર બહાર કાઢ્યા બાદ વધુ સારવાર અર્થે ડીસા ખસેડ્યા હતા.જો કે નાજુક હાલતને કારણે વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં લઇ જવાયા હતા.બીજી બાજુ હાઇકોર્ટ મેટર હોવા છતાં પણ ખેડુતને મરવા મજબુર કરનાર વિજકંપનીના અધિકારીઓની મનમાની સામે પગલાં ભરવાની માંગણી સાથે ભેમાભાઇ ચૌધરી સહિત ખેડુતોમાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી પ્રસરી છે.

આ અંગે ખેડૂત ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે સેધાભાઈએ જેટકો કંપની દ્વારા જબરદસ્તીથી નંખાતી હાઈ ટેનશન લાઇન અને પોલીસના ત્રાસથી આજે જે પગલુ ભર્યું તે ખુબજ દુઃખદ છે. ખરેખર સરકારે ખેડુતોને અત્યારના જમીનના ભાવ પ્રમાણે પુરતું વળતર આપવું જોઈએ. ભગવાનને પ્રાર્થના સેધાભાઈ જલ્દી સ્વસ્થ થઈ જાય અને તેમના જેવા તમામ ખેડુત ભાઈઓને ન્યાય મળે તેવી ખેડુત આગેવાન તરીકે વિનંતી કરું છું.’

અન્ય સમાચારો પણ છે...