થરાદના રાહની ખાનગી સ્કૂલમાં સાયન્સમાં ધોરણ-10 માં અભ્યાસ કરતો ડુવા ગામનો વિદ્યાર્થી સોમવારની મધરાત્રે એકાએક ગુમ થઇ જતા તેના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જોકે મંગળવારે મળી આવેલા વિદ્યાર્થી પાસેથી સાયન્સના અભ્યાસના કારણે મગજ ભારે થતા હોસ્ટેલમાંથી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થી સુરક્ષિત મળી આવતાં પોલીસ અને પરિવારે હાશકારો અનુભવ્યો હતો. થરાદના રાહ જુનામાર્ગની સીમમાં આવેલા ખેતરમાં રહેતા શિવપુરી ભુરપુરી ગૌસ્વામીનો પુત્ર રવિન્દ્રપુરી (ઉં.વ.15) રાહ ગામમાં આવેલી પ્રિન્સ ઓફ સાયન્સ સ્કુલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હોઇ શાળામાં જ હોસ્ટેલમાં રહેતો હતો.
સોમવારે વહેલી સવારના સુમારે હોસ્ટેલના ગૃહપતિ ઇશ્વરભાઇ મલાભાઇ ચૌધરીએ રવિન્દ્ર ઘરે જવા હોસ્ટેલમાંથી વહેલો નિકળી ગયો હોવાની અને ઘરે આવે તો જાણ કરજો એવી વાત કરી હતી. આથી પિતા પોતાનું બાઇક લઇને સામા નિકળ્યા હતા. પરંતુ પુત્ર નહી મળતાં શાળાની નજીકની ચાની હોટલ પર પુછતાછ કરી ગામમાં જવા આવવાના તમામ માર્ગો પર શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇભાળ નહી મળતાં પરિવારને જાણ કરી બધાએ સાથે મળીને આજુબાજુના ગામોમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી.
જો કે શાળાના સીસીટીવી કેમેરા ચેક કરાવતાં તા.14 નવેમ્બર-2022ની રાત્રિના 12-15 કલાકે હોસ્ટેલમાંથી જતો જણાયો હતો. જો કે તેની સાથે હોસ્ટેલના રૂમમાં રહેલા સાથી વિદ્યાર્થીઓને પુછતાં તેમણે શાળામાં કોઇ સાથે ઝગડો કે અન્ય કોઇ કારણ ન હોવાનું અને તેમને કોઇને કશું કહ્યા વગર નિકળ્યો હોવાનું જણાવ્યું હતું. આથી વ્યાપક શોધખોળ બાદ પણ કોઇ ભાળ નહી મળતાં થરાદ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખસ સામે અપહરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે મંગળવારના બપોરના બે વાગ્યે આ કિશોર વિદ્યાર્થી મળી આવ્યો હતો. છાત્રના પિતાએ જણાવ્યું કે તે સાયન્સમાં અભ્યાસ કરતો હોઇ અપહરણ જેવું ન હતું પરંતુ સાયન્સ ભણવાનું હોઇ મગજ પર ભાર વધી જતાં હોસ્ટેલમાંથી જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.