પાણીના નિકાલ માટેનું નાળું સંકટ બન્યું:થરાદના જમડાની સીમમાં નર્મદા વિભાગે બનાવેલું નાળું ખેડૂતો માટે આફત બન્યું; 100 એકરથી વધુ જમીનમાં વાવેલો પાક નિષ્ફળ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના જમડા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર નીચે બનાવેલા વરસાદી પાણીના નિકાલ માટેનું નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બની ગયા છે. જેના પગલે ચોમાસુ તેમજ બાગાયતી ખેતીમાં ઢીંચણસમું પાણી ભરાતાં પાક નિષ્ફળ જવા પામ્યો છે.

નાળું ખેડુતો માટે આફતી બની જતાં ખેતરો જળબંબાકાર
નર્મદા વિભાગ દ્વારા મુખ્ય નહેરથી પૂર્વ દિશાથી-પશ્ચિમ દિશા તરફ પાણીના નિકાલ અર્થે નાળું બનાવી ખેડૂતોની સીમ ખેત તલાવડી સુધી ઢાળવી દેતાં ખેત તલાવડીમાં પાણીનો સંગ્રહ નહીં જળવાતા તે ઓવરફ્લો થઈને આજુબાજુમાં આવેલા પાટડીયા તેમજ ગગાસરી નામથી ઓળખાતી સીમના ખેતરોમાં પાણીનો પ્રવાહ ગયો છે. જેના લીધે લગભગ 30 જેટલા ખેડૂતોના 100 એકરથી વધુની ખેતીની જમીનમાં પાણી ભરાઈ જવા પામ્યું છે. જેમાં બાગાયતી તેમજ ચોમાસુ વાવેતર કરેલી બાજરી, જુવાર, મગફળી, ગવાર, એરંડા તેમજ પશુઓને ઘાસચારા માટેની રજકા બાજરી સહિત દાડમ જેવો પાક પાણીમાં ગરકાવ થઈ જવા પામતાં વાવેતર કરેલો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો
ખેડૂતો પોતાના ખેતરોમાં રહેણાંક બનાવી પશુઓ સાથે વસવાટ કરી રહ્યા છે. જેમાં ઉભા પાકમાં ઢીંચણસમા પાણીનો સંગ્રહ રહેતાં દુર્ગંધ સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની દહેશત વચ્ચે રહેવું એ ખેડૂત પરિવારો માટે મુશ્કેલ બની જવા પામ્યું છે. ખેતરોમાં ચારેકોર મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ પથરાયેલો હોવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં પગ મૂકી શકે તેમ નથી. જેથી પશુઓ સહિત ખેડૂત પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આથી નર્મદા વિભાગ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સત્વરે આવા સિમ ખેતરોની મુલાકાત લઈ નાળાના પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...