ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ.કો.ઓ.ક્રેડીટ એન્ડ થ્રીફ્ટ સોસાયટી લી. પાલનપુરની વ્યવસ્થાપક કમિટીની સોમવારે ચુંટણી યોજાઇ હતી. જેમાં ચુંટણી અધિકારી થરાદ ડેપો મેનેજરની દેખરેખ હેઠળ 98.52 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
વ્યવસ્થાપક કમિટીની ચુંટણી સોમવારે રસ્સાકસ્સી માહોલમાં યોજાઇ હતી. જો કે તંત્ર દ્વારા ચુંટણી બિનહરીફ કરવાના ભરપુર પ્રયાસ વચ્ચે ગત તા.4 મે-2022ના ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે થરાદ (યુનિટ) વિભાગમાંથી ત્રણ ઉમેદવારો અભાભાઇ ખેતાભાઇ રબારી, દિનેશકુમાર વશરામભાઇ પટેલ અને નિલાભાઇ ખેતસીભાઇ પટેલ મેદાનમાં રહેતાં તેમની વચ્ચે હરીફાઇ જામી હતી.
બીજી બાજુ એસ.ટી.ના કર્મચારીઓની ક્રેડીટ સોસાયટીના ડીરેક્ટરની ચુંટણી સોમવારે થરાદના ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં સોસાયટીના ડ્રાયવર, કંડકટર અને મીકેનીકલ કલાર્ક મળીને 389 માંથી 271 મતદારો સોસાયટીની મતદાર યાદીમાં હોઇ તે પૈકીના 267 મતદારોએ પોતાના તરફેણના ઉમેદવારને મતદાન કર્યું હતું.
આમ 98.52 ટકા મતદાન થયું હતું. જેમાં થરાદના ત્રણ પૈકી અભાભાઇ રબારીને 64, દિનેશભાઇ પટેલને 202 જ્યારે નીલાભાઇ પટેલને માત્ર 1 મત મળતાં દિનેશભાઇ થરાદ વિભાગમાંથી વિજેતા થયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.