પ્રોત્સાહન ઇનામ:એક પણ ફેટલ અકસ્માત નહીં થતાં નિગમ દ્વારા થરાદ-સિદ્ધપુર ડેપોને રૂ.25,000 ઇનામ અપાશે

થરાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થરાદ ડેપોમાં બે વર્ષમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરતા ચાર ડ્રાયવર ડિસમિસ કરાયા

ઉત્તર ગુજરાતમાં અન્ય ડેપોએ ફેટલ અકસ્માતો સર્જાયા હતા. જ્યારે થરાદ અને સિદ્ધપુર ડેપોએ ગત વર્ષમાં એક પણ પ્રાણઘાતક અકસ્માત નહીં કરતાં નિગમ દ્વારા આગામી 15 ઓગસ્ટે રૂ.25,000નું પ્રોત્સાહન ઇનામ અપાશે. એસટી નિગમ દ્વારા વર્ષમાં એક પણ ફેટલ અક્સ્માત ન થાય તે ડેપોને નિગમ તરફથી રૂ.25,000 પ્રોત્સાહક ઇનામ તરીકે આપવામાં આવે છે. જેમાં થરાદ અને સિધ્ધપુર ડેપોની અકસ્માત નિવારણ માટે ઇન્સેટીવ યોજના અંતર્ગત પસંદગી થતાં આગામી પંદરમી ઓગષ્ટના રોજ પાલનપુરમાં આ ઇનામી રકમ આપવામાં આવનાર છે.

જે રકમ કર્મચારીઓના જાહેરહિત માટે ખર્ચ કરવાની હોય છે. આ અંગે થરાદના ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘એસટીને વિમો નહી હોવાથી એટલે કે વિમામાંથી મુક્તિ આપેલ હોવાના કારણે એક ફેટલ અકસ્માત પાછળ પંદરથી વીસ કે પચ્ચીસ લાખનો ખર્ચ કલેમ મુજબ ચુકવવાનો થતો હોય છે. આથી આટલી રકમની બચત થવા પામી છે એમ પણ કહી શકાય.’ થરાદ ડેપોમાં બે વર્ષ પહેલાં ડ્રિંક એન્ડ ડ્રાઇવની ફરિયાદો ઉઠવા પામી હતી.

ડેપો મેનેજર ભરતભાઇ ચૌધરી દ્વારા ઝીરો ટોલરન્સ નીતી અપનાવીને ફોર ડ્રીંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં આવા ચાર પિયક્કડ ડ્રાઇવર સામે એસટીના ડ્રીંક એનાલેઇઝરથી ટેસ્ટ કરીને તેમની બદલી કરવા ઉપરાંત પોલીસ કાર્યવાહી કરીને ફરજમાંથી સસ્પેન્ડ કરી ડિસમિસ કરવા સુધીની કડક શિક્ષા કરાઈ હતી. જેથી ડ્રીંક એન્ડ ડ્રાઇવ બંધ થયું હતું. સખત ગરમી અને વરસાદી માહોલમાં પણ સમય સુચકતા અને સલામત ડ્રાઇવિંગ કરવા બદલ ઇનામના હકદાર બનતાં ડેપો મેનેજરે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...