થરાદ તાલુકાના ભીમપુરા ગામે 12 વર્ષથી ખેત મજુરી કરતા બે ભાઈઓ ઉપર જલોયા ગામના ત્રણ શખ્સોએ લાકડી તથા ગડદાપાટુ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા એકને પાંસળીના હાડકામાં ફેક્ચર થયું હતું. થરાદ પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુઇગામના તાલુકાના જલોયા ગામના નિલેશભાઈ શંકરભાઈ ગોહિલ (ઠાકોર) (હાલ રહે.ભીમપુરા, તાલુકો-થરાદ)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના કાકા મુકેશભાઈ કરસનભાઈ ગોહિલ તેમના ગામના એક વ્યક્તિની પુત્રીને બે વર્ષ પહેલા ભગાડી ગયા હોઇ આજ સુધી મળેલ નથી.
તેની અદાવત રાખી સાંજના સાડા સાત વાગ્યાના સુમારે જલાયા ગામનો શખ્સ અન્ય બે શખ્સો સાથે આવી તેમના ભાઈ વિનેશભાઈને કહ્યું કે મુકેશભાઈને તથા યુવતીને લાવી આપો. આથી દિનેશભાઈએ કહેલ કે અમે 12 વર્ષથી ભીમપુરા રહીએ છીએ. અમારે કોઈ સંપર્ક નથી.
તેમ કહેતાં ઉશ્કેરાઇને લાકડી વડે તથા બીજા અજાણ્યા માણસોએ ગડદાપાટુનો માર માર્યો હતો. આથી તે છોડાવવા વચ્ચે પડતાં તેને પણ લાકડીઓ ફટકારી હતી. બુમો પાડતાં નજીકમાંથી પરિવારજનો દોડી આવી વધુ મારમાંથી બચાવ્યા હતા.
જતાં જતાં યુવતીને લાવી આપજો નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા ગયા હતા. ઝપાઝપીમાં નિલેશભાઇનો મોબાઈલ પણ પડી ગયો હતો. બંને ઇજાગ્રસ્તોને થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક્સ રે કઢાવતાં પાંસળીના ભાગે હાડકાનું ફ્રેક્ચર થયાનું જણાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.