સુઇગામ પોલીસે દેવપુરા નજીકથી ટ્રકમાં મગફળીની બોરીઓ નીચે સંતાડેલા 4.57 લાખના દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. સુઇગામ પીએસઆઈ એચ.એમ.પટેલને મળેલ ખાનગી બાતમી આધારે સ્ટાફ સાથે વાવ તરફથી આવી રહેલ ટ્રકને રોકવા માટે દેવપુરા નજીક ઉભા હતા. દરમિયાન વાવ તરફથી આવી રહેલ ટ્રક (જીજે 09 ઝેડ 5486)ને રોકવાનો પ્રયત્ન કરતાં ટ્રક ચાલકે ટ્રક રોકી નહતી.
જેનો પીછો કરી રૂપાણીવાસ નજીક ટ્રકને આંતરી ટ્રકની તલાશી લેતાં મગફળીની બોરીઓની નીચે દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. જેથી ટ્રક સુઇગામ પોલીસ સ્ટેશને લાવી તપાસ કરતાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 47 પેટીઓ મળી હતી. કુલ 672 બોટલ કિંમત રૂ.4,57,080, મગફળીની 485 બોરીઓ કિંમત રૂ.3,88,000, એક મોબાઈલ તેમજ ટ્રક મળી કુલ રૂ.14,50,080 નો મુદ્દામાલ કબજે લઈ ટ્રકના ડ્રાઇવર જ્ઞાન પ્રકાશ રામારામજી ઝાટ, રામાં રામજી જાટ અને મોટારામ ચૌધરી વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાડમેર ઠેકાથી રામાં રામજી જાટ (રહે.મડાવલા) પાસેથી દારૂની પેટીઓ ભરેલી હતી અને મગફળીની બોરીઓ ગોંડલ ખાતે ખાલી કરી મોરબી અને સાંમખીયાલી હાઇવે વચ્ચે આવેલ બાલાજી હોટલ પર મોટારામ ચૌધરીને ત્યાં દારૂની પેટીઓ ખાલી કરવાની હોવાનું ડ્રાઇવર જ્ઞાનપ્રકાશ જાટે કબુલ્યું હતું. જેના આધારે સુઇગામ પોલીસે જ્ઞાન પ્રકાશ રામાં રામજી જાટ, રામાં રામજી જાટ (બન્ને રહે. નહરોની ઢાણી, સારણો કાસરા, જી.બાડમેર) અને મોટારામ ચૌધરી (રહે.બાયતું-રાજસ્થાન,હાલ રહે.બાલાજી હોટલ, મોરબી હાઇવે) ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.