કાર્યવાહી:ખીમાણાપાદરથી કાણોઠી અને ગોલપ નેસડા ગામની સીમમાંથી 27 ગેરકાયદે પાણીના જોડાણ દૂર કરાયા

સુઇગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરહદી પંથક સુઇગામ અને વાવ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીને લઈ બુમરાડ ઉઠવા પામી છે.ત્યારે લોકોની માંગને પહોંચી વળવા ભાભર પાણી પુરવઠા બોર્ડ દ્વારા તેઓ હસ્તકનું જુથ યોજનાના 66 ગામોએ પીવાનું પાણી પૂરું પાડવાની કામગીરી વિકાસ ઈલેક્ટ્રીક્સ-ડીસાને કોન્ટ્રાકટ સોંપેલ છે. તેમના દ્વારા શનિવારે કાણોઠી, ગોલપ નેસડા ગામોની સીમમાંથી 27 જેટલા ગેરકાયદેસર કનેક્શનો દૂર કરાયા હતા.

સરહદી પંથકમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરહદી ગામોમાં પીવાનું પૂરતું પાણી ન મળતાં દિન પ્રતિદિન ફરિયાદો ઉઠવા પામતા પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ અને વિકાસ ઈલેક્ટ્રીક્સના કોન્ટ્રાકટર (કર્મચારી) ખાનાભાઈ શંકરભાઈ પટેલ દ્વારા શનિવારે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ખીમાણાપાદરથી કાણોઠી, ગોલપ નેસડાની સીમમાં ખેતરોમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી બિનકાયદેસર કનેક્શન હોવાનું જણાઇ આવ્યું હતું.

આથી પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી બિન કાયદેસર કનેક્શન દુર કરવાની બ.કાં. જિલ્લા કલેક્ટરની સુચના મળતા ‌‌ભાભર પાણી પુરવઠા, અધિક્ષક મદદનીશ ઇજનેર પ્રતિકભાઈ પટેલ, વિકાસ ઈલેક્ટ્રીક્સ એજન્સીના કર્મચારી અને પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ સાથે પીવાના પાણીની પાઈપ લાઈનમાંથી બિનકાયદેસર લીધેલ 27 કનેક્શન દુર કરવામાં આવ્યા ‌હતા અને તમામને દંડ ફટકારવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...