સુઇગામના માધપુરા-સીધાંડા હાઇવે પર ચાલુ ટ્રકમાંથી ચોરોએ રસ્સા કાપી 140 નંગ તેલના કાર્ટૂન ચોર્યા હતા. રૂ.1.50 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. ટ્રકના ચાલકે ચડ્ડી બનીયાનધારી પાંચ અજાણ્યા શખસો સામે સુઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આનંદ ટ્રાન્સપોર્ટ કંપની જેસલમેરની એક ટ્રક નંબર આરજે-46-જીએ-2745 ના ડ્રાયવર સિકંદરખાન અલીખાં બલોચ (રહે.રાજસ્થાન) ગાંધીધામ હિમાની એગ્રોટેક કંપનીમાંથી બેસ્ટ ચોઇસ મારકાના ખાદ્યતેલના ડબ્બા તેમજ કાર્ટૂન ટ્રકમાં ભરી કંડકટર હનીફા જાનુખાન સાથે જોધપુર ખાલી કરવા રવાના થયા હતા. જેઓ રાતના 12 વાગ્યે સીધાંડા નજીક હોટલમાં ચા-પાણી કરી રસ્સા ચેક કરી સીધાંડાથી સુઇગામ તરફ કસ્ટમ રોડ પર રવાના થયા હતા.
ત્યારે રાતના દોઢેક વાગ્યા આસપાસ બીજા વાહનની લાઈટથી સાઈડ કાચમાં ટ્રક ઉપરની ત્રિપાલ તૂટેલી અને રસ્સો લટકતો જણાતાં માધપુરા પાટિયા પાસે ડ્રાયવરે ટ્રક રોડ સાઈડમાં રોકી ઉપર ચડી જોતાં ત્રિપાલ તૂટેલ હતી અને રસ્સો પણ કપાયેલ હતો. ટ્રકની પાછળ સફેદ કલરનું જીપડાલુ આવતું હતું. જેમાં ચડ્ડી બનીયાનધારી પાંચેક વ્યક્તિઓ હોવાનું જણાયું હતું. તપાસ કરતાં ં 140 કાર્ટૂન ચોરાયેલ હોવાનું જણાયું હતું. દરેક કાર્ટૂનમાં 12 નંગ તેલના એક લિટરના પાઉચ કુલ 1680 રૂ.1,50,000 ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગે જીપડાલામાં સવાર 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ટ્રક ચાલકે ગુનો નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.