પાલનપુર એરોમા સર્કલ નજીકથી વાવના ટડાવના યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યુ હતુ. યુવકના ભાઇએ મારામારીની ફરિયાદમાં લખાવેલું નામ કાઢી નાંખવા પાંચ શખ્સોએ અપહરણ કરી યુવકને મારમારી રૂપિયા 5000 અને મોબાઇલ ફોન પડાવી લઇ ટડાવ નજીક મોડીરાત્રે છોડી મુક્યો હતો. આ અંગે તેણે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વાવ તાલુકાના ટડાવના શિવાભાઇ ગોવિંદભાઇ રબારીને ગામના ભુરાભાઇ રાજાભાઇ રાજપૂત, પીરાભાઇ નથાભાઇ રબારી, દલાભાઇ પીરાભાઇ રબારી, ભરતભાઇ પીરાભાઇ રબારી સાથે ઝઘડો થયો હતો.
જેમાં શિવાભાઇને ગંભીર ઇજા થતાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની દેખભાળ માટે વણાભાઇ ગોવિંદભાઇ રબારી રોકાયા હતા. જ્યાં બુધવારે સાંજે કાર લઇને આવેલા પ્રવિણભાઇ રાજાભાઇ રાજપૂત, ભુરાભાઇ લક્ષ્મણભાઇ રાજપૂત તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ વણાભાઇનું અપહરણ કર્યુ હતુ. અને ભુરાભાઇ રાજપૂતનું ફરિયાદમાંથી નામ પાછુ ખેંચી લો તેમ કહી મુઢમાર માર્યો હતો. તેમજ રૂપિયા 5000 અને મોબાઇલ ફોન પડાવી લઇ લઇ મોડીરાત્રે ટડાવ નજીક છોડી મુકયા હતા. આ અંગે વણાભાઇએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.