લાખણીના ગેળા રોડ ઉપર તાજેતરમાં હાથ ધરવામાં આવેલ દબાણ ઝુંબેશમાં ઘણા દબાણો યથાવત રાખી વર્ષો જુની પાણીની પરબને તોડી પાડતા ઉહાપોહ છવાયો છે.
અચાનક હરકતમાં આવેલા માર્ગ-મકાન અને પંચાયત પેટા વિભાગે દબાણદારોને નોટિસ ફટકારી સાત દિવસમાં દબાણો હટાવી લેવાનો આદેશ કર્યો હતો. પરંતુ શૂરાતન દાખવી ચાર દિવસમાં જ અધિકારીઓ જેસીબી સાથે દબાણો હટાવવા પહોંચી ગયા હતા. તેથી ઝુંબેશ શરૂઆતથી વિવાદોમાં સપડાઇ હતી. તેમાં પણ પોલીસ વગર પહોંચેલા અધિકારીઓએ માથાભારે લોકોના દબાણો યથાવત રાખી જૈન બંધુઓએ બનાવેલી વર્ષોજુની પરબ, મૂતરડી અને શૌચાલયો તોડી સંતોષ માન્યો હતો.
જ્યારે દબાણ તોડવામાં વ્હાલા-દવાલાની નીતિ અપનાવાઇ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જેને લઈ લોકોમાં અસંતોષ સાથે ઉહાપોહ છવાયો હતો અને લોકોએ અધિકારીઓ ઉપર ફિટકાર વરસાવ્યો હતો. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.
પૂર્વ સરપંચ નવિનભાઈએ જણાવ્યું કે ‘લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે વર્ષો અગાઉ જૈન આગેવાનો અને લોક સહકારથી રાજેન્દ્ર નવ યુવક મંડળ દ્વારા રોડથી ઘણી દૂર પાકી પરબ બનાવાઈ હતી. પંચાયત દ્વારા તેમાં પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ટ્રાફિકને નડતરરૂપ ન હોવા છતાં અધિકારીઓએ માનવીય મૂલ્યો ભૂલી અમલદારી દાખવી તોડી પાડી છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.