ધાનેરા તાલુકાના જડિયા ગામના સીમાડામાં દીપડાના પગના નિશાન જોવા મળતા ખેડૂતોમાં ભય વ્યાપી ગયો છે. શનિવારે રાત્રે દીપડાના ફૂટ પ્રિન્ટ મળ્યા હતા તે બાદથી જ ગામલોકોએ રાત્રિ ઉજાગરા શરૂ કર્યા છે. રાજસ્થાન સરહદને ઓળંગીને ગ્રામીણ વિસ્તારમાં આટા ફેરા મારતા હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે. વન વિભાગની ટીમો પણ રાત્રી પેટ્રોલિંગ કરી રહી છે.
શિયાળા દરમિયાન દીપડો ગ્રામીણ વિસ્તારમાં અવાર નવાર જોવા મળતો હોય છે. ધાનેરા તાલુકાના જડિયા ગામની સીમમા સુજાનસિહના ખેતરમાં શનિવારના રોજ કામ કરતા શ્રમિકની નજર પગના નિશાન પર પડતાં ખેતર માલિક સુજાનસિહ એ ધાનેરા વન વિભાગને કોઈ પ્રાણીના નિશાન બાબતે જાણ કરી હતી જેને લઇ ધાનેરા વન વિભાગે જડિયા ગામ ખાતે પહોંચી પગનાં નિશાનની તપાસ કરી હતી અને અધિકારી કર્મચારીઓની તપાસ દરમિયાન આ પગનાં નિશાન દીપડાના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વન વિભાગની બે અલગ અલગ ટીમોએ જડિયા ગામમાં ધામાં નાખ્યા છે.
દીપડાના પગના નિશાનને લઈ ખેતરમાં રહેતા પરિવારો ભયભીત બન્યા છે. જો કે જડિયા ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈ એ દીપડાને પોતાની નજરે જોયો નથી.ધાનેરા તાલુકામા દીપડો આવ્યો હોવાના સમાચારને લઈ ગામડામા રહેતા લોકો પણ સતર્ક બની ગયા છે. ત્રણ દિવસ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોઈ પ્રાણીના મારણ થયાનાં સમાચાર નથી કે જડિયા પછી અન્ય કોઈ ગામમાં દીપડા ના હોવાના સમાચાર મળ્યા નથી. તેમ છતાં ગામલોકો હાલમાં રાત્રી ઉજાગરા કરી ઢોર ઢાંખરની રખેવાળી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.