પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ VSSM દ્વારા વૃક્ષમિત્ર સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ કરનાર વૃક્ષમિત્રો અને વૃક્ષ મંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વર્ષ-2022 માં ઉભા કરાયેલા 36 ગ્રામવનોમાંથી જે ગ્રામવનમાં વૃક્ષોની યોગ્ય જળવણી અને માવજત કરીને ઉછેરવામાં આવ્યા હોય તેવા વૃક્ષમિત્રોનું તેમજ વૃક્ષમંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વૃક્ષ ઉછેર માટે દિયોદર તાલુકાના લુદ્રા ગામના વૃક્ષમિત્રને રૂ. 51 હાજર સૂઇગામ તાલુકાના બેણપ ગામના વૃક્ષમિત્રને રૂ. 21 હાજર તેમજ અછવાડીયા સુરાણા અને વખા ગામના વૃક્ષમિત્રને રૂ. 11-11 હજારના ચેક તથા વૃક્ષમંડળીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાના સંકલ્પના ભાગરૂપે વિચરતા સમુદાય સમર્થન મંચ VSSM દ્વારા જળસંચય તેમજ વૃક્ષો ઉછેરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વર્ષ-2017 થી અત્યાર સુધીમાં 194 તળાવો તેમજ 12 કૂવા રિચાર્જનું કામ કર્યુ છે તથા વર્ષ-2019 થી અત્યાર સુધીમાં 4.78 લાખ વૃક્ષો સાથે 123 ગ્રામવનો ઊભા કર્યા છે. દરેક ગ્રામવનમાં વાવેલા વૃક્ષોના જતન અને કાળજીપૂર્વકના ઉછેર માટે આ સંસ્થાએ વૃક્ષમિત્રોની નિમણુંક કરેલી છે તથા દરેક ગામોમાં વૃક્ષ મંડળીની સ્થાપના પણ કરવામાં આવી છે.
ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું હતું કે આજે પર્યાવરણ સામે અનેક પડકારો છે ત્યારે પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સમાજે આગળ આવવું પડશે.મિત્તલબેન પટેલ વિચરતા સમુદાય સમર્થન મંચના માધ્યમથી પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ બચાવવા માટે ખુબ સરાહનીય કાર્ય કરી રહ્યા છે ત્યારે વૃક્ષમિત્રો અને મંડળીઓેને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવું છું.
આ અંગે નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘે જણાવ્યું કે વિશ્વમાં પ્રતિવર્ષ 4 કરોડ વીઘા જંગલો નાશ થઇ રહ્યા છે જે આપણા માટો મોટો પડકાર છે. જંગલો બચાવવા માટે વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે જેને વિચરતા સમુદાય સમર્થન મંચ જેવી સંસ્થાઓ પણ મદદ કરી રહી છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ કરતા વધારે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે જે અભિનંદનને પાત્ર છે. પર્યાવરણ બચાવવા માટે જનજાગૃતિ અને જનઆંદોલન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.