ફરિયાદ:પાલનપુર RTOમાં ભીનમાલના યુવકના નામે ખોટા દસ્તાવેજ રજૂ કરીને વાહનનું રજિસ્ટ્રેશન કરી દેવાયું

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનમાં પોષડોડા પકડાયા અને પોલીસ ઘરે આવી ત્યારે ખબર પડી કે પોતાના નામે વાહન ફરે છે
  • ચંગવાડાનું ખોટું સરનામું દર્શાવાયું : રાજકોટના મુજકાની મહિલા પાસેથી વાહન ટ્રાન્સફર કરી યુવકના નામે કર્યું

પાલનપુર આરટીઓ કચેરીમાં રાજસ્થાનના ભીનમાલના યુવકના નામનું ખોટું આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો રજુ કરી તેના નામે વાહનનું રજીસ્ટ્રેશન કરાયું હોવાનો છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે. આ અંગે યુવકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

રાજસ્થાનના વિમલ ખાતે રહેતા ઇ મિત્રના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રેમસિંહ પુનમસિંહજી જાગરીના આધારકાર્ડ માં ફોટો બદલાવી તેમજ વડગામ તાલુકાના ચંગવાડા ગામનું ખોટું સરનામું દર્શાવી અજાણ્યા શખ્સોએ તેમના નામે વાહન નંબર જીજે. 03. બી.વી. 5589નું રજીસ્ટ્રેશન પાલનપુર આરટીઓ કચેરીમાં કરાવી દીધું હતું.

આ અંગે પ્રેમસિંહે આરટીઓ કચેરીમાં તપાસ કરાવતા વાહન ટ્રાન્સફર કરાવનારના દસ્તાવેજમાં રાજકોટ જિલ્લાના મુંજકા ગામના હેતલબેન જેકીભાઈ દાવડાનું નામ અને સહી છે. જ્યારે પોતાના નામે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ફોટો બદલાવેલો છે.

તેમજ વીમા પોલિસી સહિતના દસ્તાવેજોમાં સહીઓ કરી સરનામુ પણ ખોટું દર્શાવ્યું છે. છેતરપિંડી કરનારા અજાણ્યા શખ્સો સામે પ્રેમસિંહે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી શોધખોળ હાથ ધરી છે.

પ્રેમસિંહના ઘરે 29/1/2022ના દિવસે ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના કરહલની પોલીસ આવી હતી. તેમણે તમારું વાહન પોષડોડામાં પકડાયુ છે. અને પોલીસ સ્ટેશનને હાજર થવા માટે નોટિસ આપી હતી. ત્યારે તેમને ખબર પડી હતી કે પોતાના નામે વાહન ફરે છે.

અસલ આધાર કાર્ડમાં છેડછાડ કરાઈ હતી
અજાણ્યા શખ્સોએ તારીખ 15/11/2021ના દિવસે રૂપિયા 50 નો સ્ટેમ્પ ખરીદ્યો હતો. જેના ઉપર નોટરી કરાવી હતી. જેમાં સરનામું એમનું પરંતું ફોટા અને સહી એમના ન હતા. મૂળ આધાર કાર્ડમાં છેડછાડ કરાઈ હતી. એલઆઇસીની પોલિસીમાં વડગામ તાલુકાના ચંગવાડાના ચૌધરીવાસનું સરનામું અને નોમિની માં સંગીતાબેન લખેલું હતું.

જે પોલીસી પ્રેમસિંહે લીધી જ નથી. આરસીબુકની નકલમાં રાજકોટ જિલ્લાના મુંજકા ગામના હેતલબેન જેકીભાઈ દાવડાનું નામ લખેલું હતું. અજાણ્યા શખ્સોએ હેતલબેન પાસેથી વાહન ખરીદી પ્રેમ સિંહ ના ખોટા દસ્તાવેજો બનાવી પાલનપુર આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવી છેતરપિંડી આચરી હતી.

અન્ય સમાચારો પણ છે...