અમરનાથમાં ડ્યૂટીએ ગયેલા THO સાથે વાતચીત:વડગામના પ્રકાશ ચૌધરીએ કહ્યું - ગુફા નજીક વાદળ ફાટ્યું તે દિવસે 5 કિ.મી. દૂર હતો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેડિકલ ડ્યુટી માટે અમરનાથ ગયેલા આરોગ્યકર્મીએ વાસ્વિકતા વર્ણવી હતી. - Divya Bhaskar
મેડિકલ ડ્યુટી માટે અમરનાથ ગયેલા આરોગ્યકર્મીએ વાસ્વિકતા વર્ણવી હતી.
  • મેડિકલ ડ્યુટી માટે અમરનાથ તૈનાત વડગામ ટીએચઓ ર્ડા.પ્રકાશ ચૌધરીએ વાસ્તવિકતા વર્ણવી
  • અમરનાથ જતા 20 હજારથી વધુ ભક્તો રસ્તામાં, 2 હજારથી વધુ ગુજરાતીઓ સહી સલામત

અમરનાથ બાબાની પવિત્ર ગુફા આગળ થોડીક મિનિટોમાં આવેલી અવકાશી આફત બાદ હજારો યાત્રીકો ચંદનવાડીથી શેષનાગ સુધીના કેમ્પ પર રખાયા છે. તેવામાં બનાસકાંઠા હેલ્થ વિભાગના વડગામ તાલુકા હેલ્થ ઓફિસરે આપવીતી વર્ણવતાં કહ્યું કે અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું તે દિવસે 5 કિલોમીટર દૂર હતો. તેઓ પાછલા 15 દિવસથી અમરનાથમાં સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતમાંથી આરોગ્યનો જે ચુનંદા મેડિકલ સ્ટાફ છે તેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વડગામ હેલ્થ ઓફિસર ઉપરાંત પાલનપુર લેબ ટેકનીશિયન પણ દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખડે પગે છે.

તાલુકા હેલ્થ ઓફિસર પ્રકાશ ચૌધરીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે "હું અને લેબટેક હેમુભાઈ ચૌધરી છેલ્લા 15 દિવસથી અહીં સલામત છીએ. શરૂઆતના 11 દિવસ પવિત્ર ગુફા સ્થાન નજીક મેડિકલ કેમ્પમાં ફરજ પર હતા. હું શુક્રવારે સાંજે 5:30 એ પવિત્ર ગુફાથી પાંચ કિલોમીટર દૂર હતો એ વખતે જ અમારા કેમ્પથી 10 ડગલા દુર ધસમસ્તું વહેણ પસાર થયું અને લોકોએ ચિચિયારીઓ પાડતા રહ્યા. રાહત અને બચાવ કામગીરી ત્વરિત શરૂ કરવામાં આવી. રેસ્ક્યું માટે 1 હજાર મેડિકલ સ્ટાફ પહોંચી ગયો. હેલિકોપ્ટરથી ઘાયલોને ત્વરિત સારવાર માટે પંચતરની અને પહેલગામ મોકલવામાં આવ્યા.

મૃતકોમાં કે ઘાયલોમાં ગુજરાતીઓ નહોતા, અને જે લાપતા થયા તેમાં ઉતરપ્રદેશના અને મધ્યપ્રદેશના લોકો વધુ હતા. જેમની શોધખોળ ચાલી રહી છે. ધસમસતા પાણીનો પ્રવાહ માત્ર થોડી મિનિટ પૂરતો હતો પરંતુ જે પણ રસ્તામાં આવ્યું તે બધું તણાઈ ગયું હતું. NDRFના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી જેને લોકો બિરદાવી રહ્યા હતા.બર્ફાની બાબાના દર્શન બાકી હોય તેવા ભક્તોની સંખ્યા 15 હજાર કરતા વધુ છે જેવો હાલ જુદી જુદી જગ્યાઓ પર કેમ્પમાં શરણ લઈ રહ્યા છે.

જ્યાં તેમને આરોગ્ય ખાણીપીણી સહિતની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. નુનવાન કેમ્પમાં અંદાજિત 10 હજાર, શેષનાગ અને પંચતરનીમાં 5થી7 હજાર લોકો હશે. અહીં રાત્રે તાપમાન માઇનસ ત્રણ થી ચાર ટેમ્પરેચર સુધી નીચું જતું રહે છે. મને એક ગુજરાતી ગૃપ મળ્યું હતું જેઓ મહેસાણા જિલ્લાના હતા એ આઠ જણા પંચતરણીમાં રોકાયેલા છે. જેમના દર્શન હજુ બાકી છે.આજે અહીં આકાશ ખુલ્લું છે. અત્યારે બપોર સુધી બાબાના દર્શન માટે રસ્તો ખોલવામાં આવ્યો નથી પરંતુ વહેલી તકે દર્શન માટે કેમ્પમાં રહેતા લોકોને આગળ જવા દેવામાં આવશે."

પાલનપુર અમીરગઢના યાત્રીકો સલામત
પાલનપુર ડિઝાસ્ટર વિભાગના નાયબ મામલતદારએ જણાવ્યું હતું કે "પાલનપુર શહેરની કંચનભૂમી સોસાયટીમાં રહેતા વાઘેલા પરિવારના ત્રણ સદસ્યો અમરનાથ દર્શનાર્થે ગયા હતા જ્યાં હાલ સલામત સ્થળે છે. આ ઉપરાંત અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામનું પ્રજાપતિ દંપતી પણ સુરક્ષિત સ્થાને છે. તંત્ર તમામની સાથે સંપર્કમાં છે.

અન્ય સમાચારો પણ છે...