ગુજરાતનો પ્રથમ કિસ્સો:દોહવા ન દેતા પશુઓને પ્રતિબંધિત ઇન્જેક્શન આપતા બનાસકાંઠાના 5 પશુપાલકો સામે ગુનો નોંધાયો

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં સૌપ્રથમ વખત પાલનપુર તાલુકાના ચડોતર અને ખોડલા ગામના પશુપાલકો સામે પશુક્રૂરતાની ફરિયાદ નોંધાઇ
  • તબેલા અંગે સંશોધન કરવા આવેલી ઉત્તરાખંડ અને યુપીની બે યુવતીએ ભેંસોને ઇન્જેક્શન આપતાં જોઇ પોલીસને જાણ કરી
  • પશુ દોહવા દેતું ન હોય ત્યારે આપે છે ઇન્જેક્શન : પોલીસ, પશુપાલન અને ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 5 બોટલ જપ્ત

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પશુ દૂધ ન આપે તો પશુપાલકો દ્વારા પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શન અપાતાં હોય છે. પરંતુ બનાસકાંઠામાં સૌપ્રથમ વખત ચડોતર અને ખોડલાના 5 પશુપાલકો સામે ઓક્સિટોસિન ઇન્જેક્શનનો ઉપયોગ કરવા મામલે પશુક્રૂરતાનો ગુનો નોંધાયો છે.

તબેલા વ્યવસાય અંગે સંશોધન માટે આવેલી ઉત્તરાખંડના દહેરાદૂન અને ઉત્તર પ્રદેશના મહારાજગંજ ની બે યુવતીઓએ તબેલામાં ભેંસોને ઓક્સિટોસિનનાં પ્રતિબંધિત સેડ્યુલ એચમાં આવતાં ઇન્જેક્શન અપાતું હોવાનું ધ્યાને આવતાં તેમણે પાલનપુર એસપીને જાણ કરતાં ભાંડો ફૂટ્યો હતો. પોલીસેે ડ્રગ્સ ઇન્સ્પેકટર અને વેટરનરી ઓફિસરને સાથે રાખી શુક્રવારે મોડી રાત સુધી કાર્યવાહી કરી 100 એમએલની 5 બોટલો જપ્ત કરી છે.

પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ઉત્તરપ્રદેશના દેહરાદૂનના રૂબીના નિતીન ઐયર અને ઉત્તર પ્રદેશના મહારાજગંજની સુરભી ત્રિપાઠીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં માંકણોજિયા પરિવારના તેમજ ખોડલા ગામના જુડાલ પરિવારના તબેલાધારકોએ ભેંસોને સવાર-સાંજ ઓક્સિટોસિનના ઇંજેક્શન આપી તેને વધુ પડતી પીડા થાય તેવું ઝડપથી દૂધ મેળવવાના આશયથી આ પ્રકારનું કૃત્ય આચરતા હતા.

જેથી પોલીસે પાંચે તબેલાધારક વિરુદ્ધ પશુક્રૂરતા અંગેની કલમો મુજબ ગુનો નોંધાયો છે. લેબર પેઇન વખતે પ્રસૂતા મહિલાને જીવનમાં માત્ર એક વખત જ આ ઇન્જેક્શન ડૉક્ટરની દેખરેખમાં અપાય છે. જોકે, કેટલાક પશુપાલકો પશુ ઝડપથી દૂધ આપે તે માટે આ પ્રકારની હરકત કરે છે.

ભેંસોને ઇન્જેક્શન આપતાં જોઈ અમને નવાઈ લાગી'તી
અમે સામાન્ય નાગરિક છીએ. પશુઓના તબેલા કેવા હોય તે જાણવા માટે ગુજરાતના બનાસકાંઠામાં જોવા અને જાણવા આવ્યા હતા. પરંતુ અહીં ભેંસોને ઇન્જેક્શન આપતાં જોઈ અમને નવાઈ લાગી હતી. જેથી અમે પોલીસનું ધ્યાન દોર્યું હતું અને પોલીસે ડ્રગ ઇન્સ્પેકટર, વેટરનરી ઓફિસર સહિતની ટીમ સાથે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. અમને પોલીસનો ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો. > રુબિના નિતીન ઐયર, ફરિયાદી

પશુ દોહવા ન દે ત્યારે જ આપીએ છીએ : ખેડૂત
ઇન્જેકશન આપવાથી દૂધની ગુણવત્તામાં કોઈ ફરક ના પડે. જે કોઈ તકલીફ પડે છે તે અમારા માલિકીના પશુને થાય છે. અમે માત્ર ત્યારે જ ઇન્જેક્શન આપીએ છીએ, જ્યારે પશુ દૂધ દોવા દેતું ના હોય. ઇન્જેકશન આપવાથી એ શાંતિથી ઊભું રહે છે અને દોહવા દે છે.

કોની વિરુદ્ધ ગુન્હો નોંધાયો
1. ઈમરાનભાઈ અબ્દુલ રહેમાનભાઈ માંકણોજીયા
2. આરીફ સિદ્દીકી માંકણોજીયા.(બંને રહે.ચડોતર)
3. નરેશભાઈ જેસુંગભાઇ જુડાલ (રહે.ખોડલા)
4. અશોકભાઈ જેસુંગભાઇ જુડાલ (રહે.ખોડલા)
5. પ્રકાશ ભાઈ જેસુંગભાઇ જુડાલ (રહે.ખોડલા)

પશુપાલન વિભાગે લોહીના નમૂના લીધા
ચડોતર અને ખોડલામાં પોલીસ કાર્યવાહી દરમિયાન વેટરનરી તબીબોની ટીમ પણ હાજર હતી અને જે પશુઓને ઓક્સિટોસિનના ઇંજેક્શન અપાયાં હતાં તેવા પશુનાં લોહીનાં નમૂના લીધા છે, જે એફએસએલમાં મોકલાશે તેમ વેટરનરી ઓફિસરે જણાવ્યું હતું.

ઓક્સિટોસિન ઇંજેક્શન પ્રતિબંધિત છે પશુપાલકો ક્યારેક પશુ દૂધ ન આપે ત્યારે તેનો ઉપયોગ કરે છે
ઓક્સિટોસિન ઇંજેક્શનનો પશુઓ ઉપર કે માણસો પર તેનો ઉપયોગ પર પ્રતિબંધ છે. પશુપાલકો ક્યારેક પશુ દૂધ ન આપે ત્યારે આવા ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે. આ પ્રકારના ઉપયોગથી જે પશુ પોતાના જીવનકાળ દરમિયાન દસ વખત પ્રસૂતિ કરે છે તે તેની પ્રસૂતિ અડધી થઇ જાય છે. ઇન્જેક્શનથી હાડકાં અને માંસપેશીઓ નબળી પડી જાય છે અને મૃત્યુ પણ જલદી આવે છે.- ડો. મજેઠીયા, પશુપાલન વિભાગ

પકડાયેલા પશુપાલકોએ આ ઇન્જેક્શન ક્યાંથી ખરીદ્યાં હતાં તેની તપાસ ડ્રગ વિભાગ દ્વારા કરાશે
બનાસકાંઠાના ગામોમાં કોઈપણ લેબલ વગર ઓક્સિટોસિન ઇન્જેક્શન વેચાય છે એટલે કઈ કંપની છે ક્યાંથી ખરીદવામાં આવ્યું છે તેની કોઇને ખબર ન પડે. પરંતુ ખોડલા અને ચડોતરવાળા કિસ્સામાં ખેડૂતોના નિવેદન લઇ તેમણે ઇન્જેક્શન ક્યાંથી ખરીદ્યાં હતાં તેની તપાસ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...