સમગ્રપંથકમાં અરેરાટી:કંબોઇમાં પીકઅપસ્ટેન્ડમાં ઘૂસી ગયેલા બેકાબૂ ટ્રેકટરે બે યુવકોને કચડતાં મોત

શિહોરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાંકરેજ તાલુકાના કંબોઇમાં ટ્રોલી સાથે ટ્રેકટર પીકઅપસ્ટેન્ડમાં ઘુસતા બે યુવકોના ચગદાયી જતાં મોત નિપજ્યા હતા. - Divya Bhaskar
કાંકરેજ તાલુકાના કંબોઇમાં ટ્રોલી સાથે ટ્રેકટર પીકઅપસ્ટેન્ડમાં ઘુસતા બે યુવકોના ચગદાયી જતાં મોત નિપજ્યા હતા.
  • રેતીભરીને આવી રહેલા ટ્રેકટર ચાલકે બાઇકને બચાવવા જતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
  • એક જ કુટુંબના બેનાં મોતથી અરેરાટી,પોલીસે ટ્રેકટર ચાલક સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કાંકરેજ તાલુકાના કંબોઇ ગામે અચાનક વચ્ચે આવેલા બાઇક ચાલકને બચાવવા જતાં માટી ભરેલા ટ્રેકટર ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જે ટ્રેકટર પીકઅપસ્ટેન્ડમાં ઘુસી જતાં અંદર બેઠેલા બે યુવકો ચગદાયી ગયા હતા. જેમના કરૂણ મોત નિપજ્યાં હતા. અકસ્માતને પગલે સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

કાંકરેજ તાલુકાના કંબોઇ ગામના કુંપાણી પાટીના પીકઅપ સ્ટેન્ડ પાસે શનિવારે સાંજે દુદાસણ તરફથી રેતી ભરીને આવી રહેલા ટ્રેકટર નંબર જીજે. 18. એચ. 3366ના ચાલકે માર્ગમાં અચાનક આવેલા બાઇક ચાલકને બચાવવા જતાં સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ટ્રેકટર પીકઅપ સ્ટેન્ડમાં ઘુસી ગયું હતુ. અને અંદર બેઠેલા બે યુવકોને ટક્કર મારતાં બંનેના મોત નિપજ્યાં હતા.

અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ કામગીરી કરી બંને યુવકોને બહાર કાઢ્યા હતા. અકસ્માત બાદ ચાલક ટ્રેકટર મુકીને નાસી ગયો હતો. બન્ને મૃતદેહોને શિહોરી રેફરલ ખાતે પીએમ કરાવી વાલી વારસોને સોંપાયા હતા. આ અંગે વિક્રમસિંહ બળદેવસિંહ સોલંકીએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રેકટર ચાલક સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

એકને ટ્રેકટરની ટક્કર વાગી, બીજો રેતી નીચે દટાયો
ટ્રેકટર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેકટર સીધું પીકઅપ સ્ટેન્ડમાં ઘુસી ગયું હતું. જ્યાં બેઠેલા દીપાજી સોલંકી ઉપર રેતી ભરેલી ટ્રોલી પલટી મારી જતાં તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતુ. જ્યારે વિરસિંહ ધનાજી સોલંકીને ટ્રેકટરની ટક્કરથી પેટમાં ઈજાઓ થતા ખાનગી વાહનમાં પાટણ સારવાર અર્થે લઇ જતા તેઓનું પણ રસ્તામાં મોત નિપજ્યું હતુ. એકજ કુટુંબના યુવકોનું અકસ્માતમાં કરુણ મોત થતા કંબોઇ ગામે શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...