પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસે ગુરુવારે સાંજે પસાર થઈ રહેલી સુરત રોડલાઇન્સ કંપનીની બે ટ્રકો પૈકી આગળની ટ્રકના ચાલકે ટ્રક ધીમી પાડતાં પાછળ આવી રહેલી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. જેનું કેબિન તૂટી જતા ડ્રાઈવર નીચે પટકાયો હતો. અને ટ્રકનું પાછળનું ટાયર તેના ઉપર ફરી વળતા મોત નીપજ્યું હતું.સુરતની વિકાસ રોડલાઇન્સ કંપનીના ચાલક મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના કાદિપુર તાલુકાના જલાલપુરના મનોજકુમાર વિક્રમાજીત શર્મા ટ્રક નંબર ડી.ડી. 01. એ. 9060 માં સાત દિવસ અગાઉ ગઠાલ ભરી પંજાબ લુધિયાણા ગયા હતા. ત્યાંથી માલ ખાલી કરી રાજસ્થાનના પિંડવાડાની સિમેન્ટની ફેક્ટરીમાં આવ્યા હતા.
તે વખતે તેમની કંપનીનો ચાલક સતેન્દ્ર રાજભર પણ ટ્રક નંબર ડી.ડી.01.ઇ. 9323 લઇને ત્યાં આવ્યો હતો. બંને જણા ટ્રકમાં સિમેન્ટ ભરીને સુરત જવા નીકળ્યા હતા. ત્યારે ગુરુવારે સાંજે ખેમાણા ટોલનાકા નજીક આવતા રોડ સાઇડ ઉપર જવા માટે મનોજકુમારે પોતાની ટ્રક ધીમી કરી હતી.
આથી પાછળ આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. જેનું ડ્રાઇવરનું કેબિન તૂટી જતા સતેન્દ્ર રાજભર નીચે પડી ગયો હતો. અને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગના ટાયર નીચે આવી જતા તેને એમ્બ્યુલન્સમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મનોજકુમાર શર્માએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સતેન્દ્ર રાજપર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત બોર્ડર પાર કરી હોટલમાં જમ્યા, બપોરે સૂઈને નીકળ્યા પછી કાળ ભરખી ગયો
એક જ કંપનીની ટ્રકો ચલાવતા બંને ચાલકો ગુજરાત બોર્ડર પાર કરી પાલનપુર તાલુકામાં પ્રવેશ્યા હતા. જ્યાં એક હોટલ આગળ બપોરે ટ્રકો પાર્ક કરી જમ્યા હતા અને થોડી વાર સુઈ ગયા હતા. એ પછી બંને જણા સુરત જવા નીકળ્યા હતા. ત્યારે ખેમાણા ટોલનાકા પાસે જ અકસ્માત સર્જાતા એક ચાલકને કાળ ભરખી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.