ઉમરદશી નદીમાં બે કાંઠે:પાલનપુરના ધાણધાર પંથકમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાની સરહદે આવેલ ભીલડા ગામે બુધવારે ભારે વરસાદ ખાબકતા સીપુ નદીમાં નવા નીર આવ્યા હતા. - Divya Bhaskar
રાજસ્થાની સરહદે આવેલ ભીલડા ગામે બુધવારે ભારે વરસાદ ખાબકતા સીપુ નદીમાં નવા નીર આવ્યા હતા.
  • પાલનપુરમાં 9 મી.મી અને અમીરગઢમાં 1 મી.મી વરસાદ નોંધાયો
  • રાજસ્થાની સરહદે આવેલ ભીલડા ગામમાં ભારે વરસાદ ખાબકતા સીપુ નદીમાં નવા નીર આવ્યા

જીલ્લામાં હળવા વરસાદની આગાહી વચ્ચે બુધવારે વહેલી સવારે પાલનપુરના ધાણધારપંથકમાં ત્રણ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઉમરદશીનદીમાં બંને કાંઠે પાણી આવ્યા હતા. ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. બે દિવસથી જુદાજુદા સ્થળોએ ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે.

દરમિયાન બુધવારે વહેલી સવારે 3 કલાકથી 6.00 કલાક દરમિયાન પાલનપુર તાલુકાના ધાણધારપંથકના વાસણ, ધાણધા, ગોઢ, હાથીદરા, કુંપર, ભાટવડી વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઉમરદશી નદીમાં બે કાંઠે પાણી આવ્યા હતા.

કુંપર (ભા)ના હમીરજી ઠાકોરે જણાવ્યું કે, આ વખતે અષાઢી બીજના દિવસથી શરૂ થયેલો વરસાદ સમગ્ર માસ દરમિયાન વરસ્યો હતો.ઉમરદશી નદીમાં બીજી વખત પાણી વહ્યું છે. દરમિયાન પાલનપુર શહેરમાં માત્ર 9 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમીરગઢમાં 1 મી.મી. વરસાદ નોધાયો હોવાનું ડીઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ.

રાજસ્થાનના પિંડવાડાના અચપુરા નજીક નદીના પ્રવાહમાં રિક્ષા-બાઇક તણાયા
રાજસ્થાનના પિંડવાડા તાલુકામાં મંગ‌ળવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જેથી અચપુરા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના ભારે પ્રવાહમાં એક રિક્ષા અને બાઇક ચલાક તણાયા હતા. ત્યારે રિક્ષા ચાલક અને બાઇક સવારએ બુમાબુમા કરતાં સ્થાનિક લોકોની મદદથી તેમને નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે રિક્ષા નદીમાં ફસાઈ ગઈ હતી. અને બાઇક નદી પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ સ્વરૂપગંજ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાની ગંભીરતા લઈને સબ ડિવિઝન ઓફિસર હસમુખકુમારે લોકોને નદીના પ્રવાહમાં ન જવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...