આ પૃથ્વીલોક પર કોણ કહે છે કે મોટી મોંઘી અદ્યતન ગાડીમાં જ મુસાફરી સારી રહે છે. અરે સારા સંબંધો અને સારા સહયોગી સાથે હોય તો પગપાળા પણ મુસાફરી મજેદાર રહે છે તેમ પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા., મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું હતું.
પાલનપુરમાં જૈન ઉપાશ્રયમાં જૈન મુનિશ્રીએ જણાવ્યું હતું કે, પાપ માણસનું અધઃપતન કરે છે અને તે અશુભ ફળ આપે છે. આ જન્મમાં તે સરભર ન થાય તો પછીના જન્મમાં ભોગવવું પડે છે. પાપના ફળ રૂપે નવો જન્મ ઉતરતી યોનિમાં થાય છે.મને વિહાર કરતી વખતે એક વિચાર આવ્યો કે આ પૃથ્વીલોક પર કોણ કહે છે કે મોટી મોઘી અધતન ગાડીમાં જ મુસાફરી સારી રહે છે.અરે સારા સંબંધો અને સારા સહયોગી સાથે હોય તો પગપાળા પણ મુસાફરી મજેદાર રહે છે.
મોટી મોઘી ગાડીમાં મુસાફરી કરનાર તમને પગપાળા મુસાફરી હસતાં રમતાં કરતાં જોઈને દુઃખી થતો હોય એટલે જ દ્રષ્ટિકોણ અભિગમ કેવો છે તેના પર સુખ દુઃખ નું રહસ્ય સમજાય. દુ:ખમાં સુખ શોધવું,ખોટમાં નફો શોધવો, પ્રતિકૂળતામાં તક શોધવી એ બધું જ હકારાત્મક વલણ કહેવાય છે.જીવનમાં એવું કોઈ મોટું દુ:ખ નથી કે જેનાથી સુખના પડછાયા ન દેખાય છે.
જીવનમાં એવો કોઈ અવરોધ નથી કે જેમાંથી પ્રેરણા ન લઈ શકાય.રસ્તામાં પડેલા પથ્થરને પણ તમે માર્ગમાં અવરોધ માની શકો છો અને જો તમે ઈચ્છો તો સીડી બનાવીને તે પથ્થર ઉપર ચઢી શકો છો.માત્ર એવા લોકો જ જીવનનો આનંદ માણી શકે છે જેમની વિચારવાની રીત સકારાત્મક છે.
આ દુનિયામાં મોટા ભાગના લોકો દુ:ખી એટલા માટે નથી કે તેમની પાસે કોઈ વસ્તુની કમી છે પરંતુ તેમની વિચારવાની રીત નકારાત્મક છે.સકારાત્મક વિચારો, સકારાત્મક જુઓ. આ તમને તેની ગેરહાજરીમાં પણ જીવવાનો આનંદ આપશે.જીવનમાં દ્રષ્ટિકોણ અભિગમ શ્રેષ્ઠ રાખો જેમ ભૂખ્યા જનને સૂકી રોટલી પણ પુરી પરોઠા કે માવા મિષ્ટાનથી વધુ સુખ સંતોષ આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.