ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેની અગાઉ બુધવારે પ્રદેશ કોંગ્રેસે 37 ઉમેદવારોની છેલ્લી યાદી બહાર પાડી છે જેમાં બનાસકાંઠાના પાલનપુર કાંકરેજ અને દિયોદર બેઠક પરની મડાગાંઠ ઉકેલી કોઈના પણ તાબે નહીં થઈને બંને ધારાસભ્યોને ચાલુ રાખ્યા છે. આમ કોંગ્રેસે તમામ સીટિંગ એમએલએ ને ટિકિટ આપી દીધી છે, હવે પ્રચાર શરૂ થશે
બ.કાં.ની નવ વિધાનસભા બેઠકોમાં ભાજપે તમામ 9 બેઠકો એક સાથે જાહેર કરી હતી. છેલ્લે કોંગ્રેસમાં ત્રણ બેઠકો ઉપર ગુંચ પડી હતી અને ભારે દબાણ વચ્ચે કોંગ્રેસે બનાસકાંઠાના ત્રણ ઉમેદવારોને જાહેર કરી દીધા હતા. જાહેરાતના 6 કલાક અગાઉ શીવાભાઈ ભુરીયાએ દિયોદરથી મૌખિક સૂચનાના પગલે ફોર્મ ભરી દીધું હતું.
કાંકરેજમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃત ઠાકોરને ટિકિટ આપવાનો તખ્તો સપ્તાહ અગાઉ ઘડાઈ ગયો હતો અને તેઓ પરિવાર સાથે અમદાવાદ છોડી ચાંગા ગામે રહેવા પણ આવી ગયા હતા. જેને લઇ સ્થાનિક કોંગ્રેસી આગેવાનોએ નારાજગી દર્શાવતા વિડીયો અને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાતો કરી દેવાઈ હતી. જ્યારે પાલનપુરમાં સતત બે ટર્મ સુધી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરેલા મહેશ પટેલ ને ટેલીફોનિક સૂચના આપી હોવા છતાં તેમની ટિકિટ કપાઈ હોવાની કોંગ્રેસની જ છાવણીમાં જાહેરાત થતા પાટીદારોમાં નારાજગી સર્જાઇ હતી. આમ કોંગ્રેસના આંતરિક વિરોધ વચ્ચે કોંગ્રેસે સીટિંગ એમએલએ પર જ વિશ્વાસ રાખીને તેમને ટિકિટ ફાળવી છે.
નારાજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજીનામું આપવા અમદાવાદ રવાના
દિયોદરના વતની ભરતસિંહ વાઘેલાએ પ્રદેશ કોંગ્રેસથી નારાજ થયા હતા અને તેમણે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે. આ અંગે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેમણે કોલ રીસીવ કર્યો ન હતો જો કે કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ પ્રદેશના કેટલાક નેતાઓથી નારાજ છે જેને લઇ રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા છે.
27 વર્ષે દિયોદરમાં કોંગ્રેસને બેઠી કરનાર શિવાભાઈને ફળ મળ્યું
દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં વર્ષ 1985માં માનસિંહજી વાઘેલા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયા બાદ સાત વિધાનસભા ની ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો હતો ત્યારે ગત વિધાનસભા વર્ષ 2017માં શીવાભાઈ ભુરીયાએ વિજય મેળવતા 27 વર્ષ બાદ કોંગ્રેસને દિયોદર તાલુકામાં બેઠું કર્યું હતું. ચૌધરી સમાજના 40,હજાર મતો છે.
2017માં ભાજપના ગઢમાં ગાબડું,મહેશભાઈએ જીત મેળવી હતી
ઇન્દિરા ગાંધીના શાસન બાદ પાલનપુર વિધાનસભામાં સતત ભાજપ પક્ષનો દબદબો રહ્યો હતો. જોકે 2012માં ગોવિંદભાઈને હરાવી કોંગ્રેસે વર્ષો બાદ કબજો જમાવ્યો અને તે બાદ ફરી 2017માં જીત મેળવી હતી. જેના લીધે ફરી મોકો અપાયો હોવાનું મનાય છે.
બનાસકાંઠામાં મહેશ પટેલ અને શિવા ભૂરિયાની ટિકિટ કાપવાની હિંમત કોંગ્રેસ નહીં કરી શકી
લાંબી રાહ અને બળવાના એંધાણને લઇ કોંગ્રેસે આખરે બુધવારે ઉત્તર ગુજરાતના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી દીધી. બેચરાજી અને બાયડ બેઠકના ચાલુ ધારાસભ્યને કાપી કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. પાલનપુર અને દિયોદરમાં કોંગ્રેસ સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવાનું જોખમ ન લઇ શકી. કાંકરેજ માં ઉગ્ર વિરોધ છતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના ભાઈને ટિકિટ અપાઈ છે. ભિલોડા બેઠક પર અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ પારધીને તક મળી છે.
બનાસકાંઠામાં મહેશ પટેલ અને શિવા ભૂરિયાની ટિકિટ કાપવાની હિંમત કોંગ્રેસ નહીં કરી શકી. કાંકરેજ માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈને ટિકિટ આપવાથી કોંગ્રેસ ફસાઈ ગઈ છે. મહેસાણા જિલ્લાની ચારે બેઠકો પર કોંગ્રેસે ભાજપના ઉમેદવારને જોઈ જ્ઞાતિવાદને સામે રાખીને જ ઉમેદવાર ઉતાર્યા છે. વિસનગરમાં ભાન્ડુના અને હાલ અમદાવાદ રહેતા કિરીટ પટેલને ટિકિટ આપી છે.
1995માં ભાજપમાંથી જીત્યા પછી રાજપા, 1999માં અપક્ષ, 2002માં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા કિરીટ પટેલ 2014માં ગાંધીનગરમાં અડવાણી સામે લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. મહેસાણામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ કરનારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પી.કે. પટેલને ટિકિટ આપી કોંગ્રેસે નવું ગતકડું કર્યું છે. ઊંઝામાં અરવિંદભાઈ પટેલનું નામ અચંબામાં નાખે એવું છે. બેચરાજીમાં આખરે ભરતજી ઠાકોરને કાપી કોંગ્રેસે તેમને ઘરે બેસાડી દીધા છે. જૂના જોગી ભોપાજી ભાજપના ઠાકોર સામે ટક્કર લેશે.
સાબરકાંઠાના પ્રાંતિજમાં મજબૂત ઉમેદવારની શોધમાં થાકેલી કોંગ્રેસે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બહેચરસિંહ રાઠોડ પર પસંદગી ઉતારી છે. બાયડથી શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ આપવાની મથામણમાં વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલ કપાયા છે. ભાજપથી નારાજ ધવલસિંહ ઝાલા જો અપક્ષ ફોર્મ ભરે તો ભાજપની મુસીબત વધી શકે છે.
જાહેર કરેલા ઉમેદવારો
પાલનપુર મહેશ પટેલ
દિયોદર શિવા ભુરિયા
કાંકરેજ અમૃત ઠાકોર
ઊંઝા અરવિંદ પટેલ
વિસનગર કિરીટ પટેલ
બેચરાજી ભોપાજી ઠાકોર
મહેસાણા પી.કે. પટેલ
ભિલોડા રાજુ પારઘી
બાયડ મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ બહેચરસિંહ રાઠોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.