પાણી માટે ખેડૂતોનું જળ આંદોલન:બનાસકાંઠાનાં 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોએ પાણી મામલે શરૂ કર્યું જળ આંદોલન,પાલનપુરમાં હજારો ખેડૂતોની રેલી

પાલનપુરએક મહિનો પહેલા
  • છેલ્લાં 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની ખેડૂતો કરી રહ્યા છે માગ
  • આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની રેલી યોજી ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું
  • ખેડૂતોનો​​​​​​​ આક્રોશ: પાણી નહીં તો વોટ નહીં

વડગામ તાલુકાનું કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગને લઈને આજે કિસાન સંઘનાં નેજા હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ કરી રહ્યા હતા. જોકે, આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતોએ જળ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. આજે 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પાલનપુર શહેરમાં મહારેલી યોજી હતી. ખેડૂતોએ પાલનપુરની આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપી તળાવ ભરવાની માગ કરી હતી.

છેલ્લાં 25 વર્ષથી ખેડૂતો કરી માગ કરી રહ્યા છે
ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર અને વડગામ તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે, ત્યારે પાલનપુર અને વડગામ તાલુકાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી રહે એ હેતુથી છેલ્લા 25 વર્ષથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.

રાત્રિ સભાઓ યોજી રેલીમાં જોડાવા ખેડૂતોને આહવાન કરાયું હતું
આ તળાવ ભરવાની માગ છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી, પરંતુ આ માગ આજદીન સુધી ન સંતોષાતા એક માસ અગાઉ કરમાવદ તળાવમાં કળશ પૂજન કરી અને ખેડૂતોએ જળ આંદોલનના મંડાણ કર્યા હતા. આ દરમિયાન વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામડાઓમાં રાત્રી સમર્થન સભાઓ યોજી અને ખેડૂતોને રેલીમાં જોડાવા માટે આહવાન કરાયું હતું. ત્યારે આજે 125 ગામના 25 હજાર જેટલા ખેડૂતોએ રેલી સ્વરૂપે પાલનપુર પહોંચી અને પાલનપુર આદર્શ હાઇસ્કુલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની મહારેલી યોજી હતી. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તળાવમાં પાણી ભરવાની રજૂઆત કરી હતી.

ખેડૂતોની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે ખેડૂતોને બાંહેધરી આપી હતી. કરમાવદ તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નોની કલેક્ટરે ખાતરી પણ આપી હતી. કરમાવદ તળાવમાં પાણી ભરવા માટે ફોરેસ્ટ વિભાગની તાંત્રિક મંજૂરીની પણ જરૂર પડતી હોય છે ત્યારે કલેક્ટર ખેડૂતોની માગણી સરકાર સુધી પહોંચાડશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયત્નો કરાશે.

છેલ્લા એક માસથી જળ આંદોલન માટે ખેડૂતોએ ગામેગામ સભાઓ યોજી હતી. ત્યારે આજે ખેડૂતોના જળ આંદોલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આજે અંદાજે 25 હજાર જેટલા ખેડૂતોએ મહારેલીમાં જોડાઈ અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ ખેડૂતોના પાણીના પ્રશ્નને લઇ સરકાર સુધી રજૂઆત પહોંચાડી તમામ પ્રયત્નો ની ખાતરી આપી હતી.

મુકતેશ્વરથી નવી પાઇપલાઇન અથવા મુખ્ય કેનાલથી કરમાવત લાઈન નાખી પાણી આપો
"200 કરોડના ખર્ચે મુક્તેશ્વરમાં પાણી નાખવાની જાહેરાત થઈ છે પણ પાણી અપૂરતું આવશે. જેથી અમારી માગણી છે કે કરમાવદ તળાવને ભરવા માટે ખોરસમ ની મુખ્ય કેનાલ થી ડાયરેક્ટ 300થી 400 ક્યુસેક પાણી એવા સમયે આપવામાં આવે જ્યારે ખેડૂતો સિંચાઈના પાણીની જરૂર ન હોય અમને ચોમાસામાં આપશે તો પણ ચાલશે. અમારે સિંચાઇ માટે પાણીની જરૂર નથી પરંતુ પાણીના તળ ઉંચા લાવવા કરમાવદમાં પાણી ભરવું જરૂરી છે. અમેં મુખ્ય પ્રધાનને મળ્યા તેમની આ વાત સમજાવી અને એ દિશામાં હકારાત્મક પ્રયાસો થાય એવી અમને આશા છે." એમ એમ ગઢવી ખેડૂત આગેવાન

તળાવ ભરાય તો 18 ગામોના તળ ઊંચા આવે
કરમાવદ તળાવ જો 50 ફુટ જેટલું ભરાય તો ઉપરના ભાગમાં આમલીનાળું નામનું વેસ્ટવિઅર છે ઓવરફ્લો થયેલું પાણી ઉમરદશી નદી તરફ જાય છે એ પાણીથી કુંપર, ભાટવડી, નળાસર, આંબલીયાળથી લઇને કાણોદર સુધીના 18 ગામોના પાણીના તળ ઊંચા આવી શકે તેમ છે.

સરકારે આ બાબત ગંભીરતાથી લીધી છે: કલેકટર
કરમાવદ તળાવને ભરવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે અધિકારીઓને સર્વે કરવા અંગેની સૂચના પણ આપી દેવાઈ છે. આપણે ઇચ્છીએ કે બધું ખેડૂતોના હિતમાં સારું થાય.આનંદ પટેલ (કલેકટર બ.કા.)

કરમાવદ તળાવ વન વિભાગ હસ્તક
98 હેક્ટરમાં ફેલાયેલું કરમાવદ તળાવ પાલનપુર અંબાજી હાઈવે પર જલોત્રા ગામની પાછળ જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી તેમાં બાંધકામ સહિતની પ્રક્રિયા માટે વનવિભાગની મંજૂરી અગત્યની બની જાય છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે" કરમાવદ તળાવ નોર્મલ રેન્જ હેઠળ આવે છે. આસપાસ પર્વતીય વિસ્તાર આવેલો છે જેમાં ચોમાસા દરમિયાન પાણી અહીંના તળાવમાં એકઠું થાય છે. જોકે કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદને લીધે પાણી ભરાતું નથી.'

મુક્તેશ્વર ડેમને નર્મદાના નીરથી ભરવાની જાહેરાત બજેટમાં થઈ હતી
રાજ્ય સરકારે તાજેતરમાં જ બજેટ સત્ર દરમિયાન મુક્તેશ્વર ડેમને 200 કરોડના ખર્ચે સિધ્ધપુર નજીકના ડીન્ડરોલથી ભરવા જાહેરાત કરાઈ હતી. જેમાં 40 થી 45 તળાવ ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...