• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Rural Students Of The College In Palanpur Said, The Name Of The Candidate Is Not Known But We Will Choose A Candidate Who Talks About Development.

વટથી વોટ આપીશું:પાલનપુરમાં કોલેજના ગ્રામિણ છાત્રોએ કહ્યું, ઉમેદવારનું નામ ખબર નથી પણ વિકાસની વાત કરે તેવા ઉમેદવાર પસંદ કરીશું

પાલનપુર3 મહિનો પહેલાલેખક: નરેશ ચૌહાણ
  • કૉપી લિંક
આશિષ નાઈ, હસમુખ પરમાર - Divya Bhaskar
આશિષ નાઈ, હસમુખ પરમાર
  • પ્રથમવાર વોટ આપનાર પાલનપુર પંથકના છાત્રોમાં મતદાનને લઈ ઉત્સાહ

ચૂંટણીનો માહોલ છે. બજારમાં, બસ સ્ટેન્ડમાં, પાનના ગલ્લે, ચાની કીટલીએ. ત્યારે કોલેજોમાં વિદ્યાર્થીઓ શું વિચારે છે? કેવી પાર્ટી માટે વોટ કરવાના છે? અને એમાંય ખાસ જે પહેલીવાર વોટ કરવાના છે તેવો કેવો રોમાન્ચ અનુભવી રહ્યા છે?

હું વટથી મારો પહેલો વોટ આપીશ
દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે પાલનપુરની કોલેજમાં યુવા છાત્રો સાથે વાત કરી તો તેમનામાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો. એક વિદ્યાર્થીએ તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણી કાર્ડ જ્યારે મારી હાથોમાં આવ્યું ત્યારે લાગ્યું કે હવે હું દેશનો અધિકૃત નાગરિક બની ગયો છું અને હું મારા વિચાર થકી મારા વોટ થકી મારી મનગમતી સરકારને સહકાર આપવામાં મદદરૂપ બની શકીશ. અને એટલે જ હું વટથી મારો પહેલો વોટ આપીશ.

પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાના
​​​​​​​
બનાસકાંઠામાં 9 વિધાનસભામાં કુલ 24.90 લાખ મતદારોમાં 81 હજારથી વધારે મતદારો એવા નોંધાયા છે જેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાના છે. જેમાં વાવમાં 11 598, થરાદમાં 10 221 ધાનેરામાં 8,907 દાંતામાં 9,179 વડગામમાં 8,829 પાલનપુરમાં 7517 ડીસામાં 8001 દિયોદરમાં 8,820 અને કાંકરેજમાં 8443 યુવા મતદારો પ્રથમવાર મતદાનની પ્રક્રિયાનો કિસ્સો બનવા જઈ રહ્યા છે અને લોકશાહીનો ઉત્સવ મનાવવા થનગની રહ્યા છે.

સુરેશ ચૌધરી, કૌશિક રાવળ
સુરેશ ચૌધરી, કૌશિક રાવળ

પરિવારના મોભી કહે ત્યાં વોટ આપીશું
અમે ચૂંટણી કાર્ડ મેળવ્યું તે વખતથી જ એક્સાઇટેડ હતા કે પ્રથમવાર વોટ આપીશું પાંચ ડિસેમ્બરે જોઈશું કે કેવી રીતે કરીશું સમાજનો વ્યક્તિ પાર્ટી કે પક્ષ એ પૂછીને જ વોટ આપીશું જે પરિવારના મોભી કહેશે એમને પ્રથમ ચાન્સ આપીશું. વંશ, હિમાંશુ, અશ્વિન (બીસીએ કોલેજ)

વિકાસ જોઇતો હોય તો વોટ કરવો જોઇઅે
પહેલી જ વાર વોટ કરવાનો છે. વોટ દરેકે કરવો જ જોઈએ. જો વિકાસ જોઈતો હોય કંઈક સારું થાય કે ખોટું થતું હોય તો સારાં નેતા લાવવા પડે એટલે વોટ તો કરવો જોઈએ. મારા ગામમાં બસ નથી આવતી એટલે બાઈક લઈને કોલેજ આવું છું. > આશિષ નાઈ:,ભટામલ મોટી તા. પાલનપુર બીકોમ, સેમ.5

મોંઘવારી પર નિયંત્રણ આવે તેવી ઇચ્છા
અમારી પાલનપુર ની જીડી મોદી કોલેજનું કેમ્પસ સૌથી બેસ્ટ કેમ્પસ છે અને અહીં રાજકારણની કોઈ વાતો કરતું નથી પરંતુ હાલ જ્યારે પહેલીવાર વોટ આપવાનો છે ત્યારે હું ઈચ્છીશ કે મોંઘવારી પર નિયંત્રણ આવે, આજે હું અભ્યાસની સાથે સાથે પરિવારની મદદ કરવા માટે પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. અને મારા જેવા અનેક છાત્રો કોલેજમાં પણ છે જેઓ અભ્યાસની સાથે નોકરી પર પણ જાય છે. > હસમુખ પરમાર , કરજા તા. અમીરગઢ બી.એ.સેમ-6

મિત્રો સાથે વોટ કરવા પહેલીવાર જવાનો
જ્યારે ચૂંટણી કાર્ડ હાથમાં આવ્યું ત્યારે પહેલો જ વિચાર આવ્યો કે વોટ આપવાનો અધિકાર મળી ગયો છે. અને હું મારા મિત્રો સાથે વોટ કરવા પહેલી વાર જવાનો છું. મારા ગામથી દરરોજ બસમાં આવું છું ત્યારે બસમાં પણ સરકાર કેવી ચાલે છે અને કેવી ચાલવી જોઈએ તે ચર્ચાઓ સાંભળું છું. દૂરથી આવું છું તો પણ સૌથી પહેલા કોલેજમાં આવી જાઉં છું. > સુરેશ ચૌધરી, ધાનેરી તા.દાંતીવાડા બીએ સેમ 6

લોકશાહી છે અને લોકશાહીથી પ્રેમ કરો
કોલેજની સાથે સાથે આઈ.ટી.આઈમાં કોમ્પ્યુટર નો કોર્સ પણ કરું છું. થોડા સમય પછી હું નોકરી શરૂ કરવાનો છું લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ મને ઉત્સાહ છે પહેલીવાર વોટ આપવાનો. લોકશાહી છે અને લોકશાહીથી પ્રેમ કરવો પડે. > કૌશિક રાવળ, મોટી ભટામલ તા.પાલનપુર બી.એ.સેમ.5

અન્ય સમાચારો પણ છે...