પાલનપુરની ફેક્ટરીના એકાઉન્ટમાંથી રૂ.33 લાખ ટ્રાન્સફર કરનાર શખ્સને બનાસકાંઠા સાયબર ક્રાઇમની ટીમે ઝબ્બે કરી કોર્ટમાં આઠ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. પાલનપુર - અમદાવાદ હાઇવે નજીક આવેલી ઘી - તેલના ખાલી ડબ્બા બનાવવાની ફેકટરી જાળેશ્વર ટીન ઇન્ડ્રસ્ટ્રીમાં એકાઉન્ટનું કામ સંભાળતાં સાગ્રોસણાના હરેશગીરી કેશવગીરી ગૌસ્વામીએ ફેકટરીના બેંક એકાઉન્ટમાં પોતાનો મોબાઇલ ફોન આપ્યો હતો. દરમિયાન 25 જાન્યુઆરી 2022ના દિવસે આ મોબાઇલ ફોન બંધ થઇ ગયો હતો. ત્રણ દિવસ પછી આધાર કાર્ડ આપી નવું સીમ ચાલુ કરાવ્યું હતુ.
ઓટીપી મેળવી બેંક ખાતામાંથી રૂપિયા 33,00,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે હરેશગીરી ગૌસ્વામીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ ડી.આર. ગઢવીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના નડીયાનો સાગર ગાજો મહંતોએ એકાઉન્ટન્ટનું સીમ બંધ કરી સીમ સેટિંગ કરી ઓટીપી મેળવી આ સાયબર છેતરપિંડી આચરી હતી. અમદાવાદ ખાતે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીને પાલનપુર લવાયો છે. જેને કોર્ટમાં રજુ કરતાં ન્યાયાધિશે આઠ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.