ભાભર ગૃપ સેવા સહકારી મંડળીના સંચાલકને તેમના અશ્લિલ ફોટા ટીવી તેમજ સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી જુના ભાભરના પત્રકાર સહિત 3 શખ્સોએ રૂ. 7.64 લાખ પડાવી વધુ રકમની માંગણી કરતા સંચાલકે ઓફિસમાં જ ઝેરી દવા ગટગટાવતાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે ત્રણેય શખ્સો સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ભાભર તાલુકાના ખડોસણના જેસંગભાઇ ચમનભાઇ ઠાકોર (ઉ.વ.30) ભાભરના ખાડીયા વિસ્તારમાં ભાભર ગૃપ સેવા સહકારી મંડળી ચલાવે છે. જેમના ઉપર 7 માસ અગાઉ ભાભર નવાના જશવંતસિંહ મુકેશભા રાઠોડે વોટ્સએપ કોલ કરી બિભત્સ ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ. 15 લાખની માંગણી કરી હતી.
જેમાં જેસુંગભાઇ રૂ. પાંચ લાખ આપવા માટે સહમત થયા હતા. અને વારંવાર ધમકીઓ મળતાં તા. 6 ઓગસ્ટ 2022ના દિવસે 2,64,700 રોકડા, તા. 16 ઓગસ્ટ 2022ના રોજ 2 લાખ રોકડા અને તા. 19 સપ્ટેમ્બર 2022ના રોજ રૂ. 1,20,000 રોકડા આપ્યા હતા.
દરમિયાન આ બાબતની જાણ વાસુભા ભોજુભા રાઠોડને થતાં તેમણે પણ પોતે ભાભર જુના ગામનો નામચિન પત્રકાર હોઇ અશ્લિલ ફોટા સોશિયલ મિડિયામાં મુકવાની ધમકી આપતાં તેને રૂ. 80,000 રોકડા આપ્યા હતા. દરમિયાન આ અંગેની ખબર જલુભા વનુભા રાઠોડને થતાં 9 માર્ચ 2023ના રોજ મોબાઇલ ફોન ઉપર એડીટીંગ કરેલો અશ્લિલ ફોટો મુકી તરત ડિલીટ કરી રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. આથી ત્રણેયના ત્રાસથી વાઝ આવેલા જેસુંગભાઇએ તેમની ઓફિસમાં ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી. જેમને ભાભરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા હતા.
ઓફિસના કર્મીને બેંકમાં મોકલી દવા પીધી
જેસંગભાઇની ઓફિસમાં કામ કરતાં ખડોસણના વિષ્ણુંભાઇ પાંચાભાઇ ઠાકોરને બેંકમાં લેવડ- દેવડનું સ્ટેટમેન્ટ કઢાવવા માટે મોકલી ઉંદર મારવાની દવા પી લીધી હતી. દરમિયાન વિષ્ણુંભાઇ પરત આવતાં તેમણે સારવાર અર્થે ખસેડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.