ધરપકડ:ધાનેરાના વાછોલ ગામના યુવકને બંદૂકની ગોળી મારનાર શખ્સ ઝબ્બે

પાંથાવાડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દેશી બનાવટની બંદૂક સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી ભેદ ઉકેલ્યો

ધાનેરા તાલુકાના વાછોલ ગામના જંગલમાં મંગળવારે બપોરે ભૂંડનો શિકાર કરવા આવેલા શખ્સોએ ગોળી મારતાં ગામના યુવકના માથામાં ગોળી ‌વાગતાં મોત થયું હતું. પરિવારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે તપાસ કરતાં જંગલમાંથી બંદૂક સાથે રાજસ્થાનના શિરોહીના રેવદર તાલુકાના બાંટ ગામના શખ્સને રવિવારે ઝડપી લીધો હતો.

વાછોલ ગામના પ્રવિણભાઇ ઓખારામ માજીરાણાની હત્યાની ફરિયાદ પાંથાવાડા પોલીસ મથકે નોંધાઇ હતી. જેને લઇ પોલીસે સઘન તપાસ કરતા માહિતી મળી કે 3 યુવકો સાથે શિકાર કરવા ગયા હતા. જેથી જેતાવાડા ગામનો દિનેશભાઈ જોઈતાભાઈ માજીરાણાની સઘન પૂછપરછ કરતા રાજસ્થાનના બાંટ ગામનો પ્રવિણકુમાર હંસરામ માજીરાણાનું નામ આપતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી.

પોલીસે બાતમીના આધારે પોલીસ ટીમના માણસો સાથે મળી રવિવારે વાછોલ ગામની સીમના જંગલમાંથી પ્રવિણકુમાર હંસરામ માજીરાણાને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી તેની સામે આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વોહળોમાં ઉતરતા પગ લપસતાં બંદૂકનો ઘોડો દબાતાં ફાયરિંગ થયું
વાછોલ ગામે રહેતા પ્રવીણભાઈ ઓખાભાઈ માજીરાણા, જેતાવાડાનો દિનેશભાઈ જોઈતાભાઈ તેમજ પ્રવીણકુમાર હંસરામ માજીરાણા ત્રણેય લોકો વાછોલ ગામમાં આવેલ જંગલમાં મંગળવાર બપોરના એક વાગ્યાના સમયે દેશી હાથની બનાવટની બંદૂક લઇ ભૂંડોનો શિકાર કરવા ગયા હતા.

ત્યારે શિકાર કરવા માટે જતા પ્રવીણભાઈ ઓખાભાઈ આગળ અને રાજસ્થાન બાંટ ગામનો પ્રવીણ બંદૂક લઈને પાછળ આવતો હતો. ત્યારે જંગલમાં વોહળોમાં ઉતરતા પ્રવીણનો પગ લપસતાં બંદૂકનો ઘોડો દબાતાં ફાયરિંગ થતાં પ્રવીણભાઇના માથાના ભાગે ગોળી વાગતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...