મુલાકાત:બનાસકાંઠાની નવ બેઠક પર ચૂંટણીને લઇને નિરીક્ષકઓએ ખર્ચ નિયંત્રણ સેલની મુલાકાત લીધી

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા.5 મી ડિસેમ્બર-2022ના રોજ યોજાનાર છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલ ગુરુકરણ સિંહ બેઇન્સ, અભિષેક આનંદ અને કરાલે રાહુલ એકનાથે જિલ્લા પંચાયત પાલનપુર ખાતે કાર્યરત ખર્ચ નિયંત્રણ સેલની મુલાકાત લીધી હતી. ખર્ચ નિરીક્ષક અધિકારીઓએ ખર્ચ નિયંત્રણ સેલ દ્વારા ચૂંટણી આચાર સંહિતાને લગતી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની ગઇ છે ત્યારે કોઇપણ પ્રકારની શંકાસ્પદ લેવડ-દેવડ કે નાણાંકીય વ્યવહાર પર ખાસ વોચ રાખવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે જિલ્લા પંચાયત પાલનપુર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિયંત્રણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં હેલ્પ લાઈન નંબર 1800-233-2022 પર ઉમેદવારના ખર્ચ સંબંધિત આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી શકાય છે. ખર્ચ નિરીક્ષકઓએ ખર્ચ નિયંત્રણ સેલની કામગીરી અને આવતી ફરિયાદના નિવારણ બાબતની કાર્ય પદ્ધતિની પ્રાથમિક માહિતી મેળવી હતી. ખર્ચ નિરીક્ષકઓએ સેલની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી ચૂંટણી પંચની સુચના મુજબ કામગીરી કરવા ખાસ સુચના આપી હતી.

ખર્ચ નિયંત્રણ સેલમાં 24×7 કામગીરી કરવામાં આવે છે. ખર્ચ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ કોઇપણ પ્રકારની શંકાસ્પદ લેવડ-દેવડ કે નાણાંકીય વ્યવહારો પર ખાસ વોચ રાખવા જણાવ્યું હતું. તેમજ ચૂંટણી દરમિયાન રૂ. 10 લાખથી વધારે રકમની લેવડ-દેવડ કરવામાં આવે તો ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવા જેવી ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. ખર્ચ નિયંત્રણ સેલમાં આસિસ્ટન્ટ નોડલ અધિકારી અને હિસાબી અધિકારી એચ.કે.ઠાકર સહિત 4 નાયબ મામલતદારઓ અને 4 તલાટીઓ રેવન્યુ ની ટીમ 24×7 ફરજ નિભાવી રહી છે. હેલ્પલાઇન નંબર પર મળતી ફરિયાદને જેતે વિધાનસભાની ફ્લાઈંગ સ્ક્વોર્ડને ફોરવર્ડ કરવામાં આવે છે તેમજ ખર્ચને લગતી તમામ ટીમોનું રિપોર્ટિંગ કચેરી દ્વારા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...