વિરોધ:પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરે પાલિકામાં કાદવ નાખી વિરોધ દર્શાવ્યો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તગારા અને ડોલમાં ગટરનો કાદવ લઈ આવી પાલિકા ના દરવાજા પાસે ફરસ ઉપર નાખ્યો
  • ​​​​​​​એગોલા રોડ વિસ્તારમાં સફાઈ ન થતા 20 દિવસ અગાઉ વીડિયો બનાવી ચીમકી આપી હતી

પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં સફાઈ અંગે 20 દિવસ અગાઉ વીડિયો વાયરલ કરી પાલિકામાં કાદવ નાંખવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, સેનિટેશન વિભાગ દ્વારા કોઈ જ સફાઈની કામગીરી ન કરવામાં આવતા તેઓ મંગળવારે ડોલ અને તગારામાં કાદવ લઈને આવ્યા હતા અને નગરપાલિકાના દરવાજા આગળ નાંખી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

પાલનપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને રણજી ટ્રોફી ક્રિકેટ પ્લેયર દિલીપસિંહ હડિયોલે નગરપાલિકાની સફાઈને કામગીરી સામે મંગળવારે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. તેઓ તગારા અને ડોલમાં ગટરનો કાદવ લઈને આવ્યા હતા. જે કાદવ નગરપાલિકા ના દરવાજા પાસે ફરસ ઉપર નાખ્યો હતો.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, એગોલા રોડ વિસ્તારમાં સફાઈ થતી નથી ગટરો ઉભરાતી હોવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. જ્યાં સફાઈ કરવા માટે 20 દિવસ અગાઉ વીડિયો બનાવી પાલિકા તંત્રનું ધ્યાન દોર્યું હતું. પરંતુ સેનિટેશન વિભાગ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા આજે મારે આ પગલું ભરવું પડ્યું છે.

રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પણ સફાઈ સહિતની બાબતે આવી જ દુર્દશા છે. ત્યારે લોકોએ મારી જેમ દરરોજ નગરપાલિકામાં આવી કાદવ નાખવો જોઈએ તો જ પાલિકા તંત્ર જાગશે તેમ કહી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોને પણ શહેરની દુર્દશા બાબતે ધ્યાન દોરી પછી જ સભા કરવા અથવા મત આપવા માટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...